શું પાકિસ્તાન પર થશે ઓસામા જેવી કાર્યવાહી? રાજનાથસિંહે કહ્યું, રાહ જોવો, દેશ નિરાશ નહીં થાય
કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે એક ન્યૂઝચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ છે કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી પુલવામા એટેકની તપાસ કરી રહી છે અને આપણે કોઈપણ તપાસ વગર ટીપ્પણી કરવી જોઈએ નહીં. તેમણે કહ્યુ છે કે વિસ્ફોટકને લઈને પણ તમામ વાતો સામે આવી રહી છે, પરંતુ તપાસ બાદ જ આના સંદર્ભે કંઈક સ્પષ્ટતા થઈ શકે તેમ છે.
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે એક ન્યૂઝચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે પાકિસ્તાનના હુક્કા-પાણી બંધ થવાથી સંતોષ નથી, હજી આ માત્ર શરૂઆત છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનના નિવેદન પર રાજનાથસિંહે કહ્યુ છે કે પુલવામા હુમલા બાદ જે પ્રધાનમંત્રીએ આપણા દેશના જવાનોને શ્રદ્ધાંજલિ સુદ્ધાં અર્પિત કરી ન હોય, તે આતંકવાદના મામલે ભારતની સાથે વાતચીત કરશે, હવે વાતચીતનો વખત નીકળી ચુક્યો છે.
જ્યારે રાજનાથસિંહને સવાલ કરવામાં આવ્યો કે શું ભારત પણ એવા પ્રકારની કાર્યવાહી કરી શકે છે, કે જેવી અમેરિકાએ અલકાયદાના આતંકી ચીફ ઓસામા બિન લાદેન સામે કરી હતી. તેના જવાબમાં રાજનાથ સિંહે કહ્યુ છે કે અમેરિકાને પણ આવી કાર્યવાહી કરવામાં અઢી વર્ષ લાગ્યા હતા. પણ તેમને આટલો સમય નહીં લાગે. હાલ તમે રાહ જોવો, દેશ નિરાશ નહીં થાય.
રાજનાથસિંહે એમ પણ કહ્યુ છે કે આતંકવાદની વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક સમુદાયને એક મંચ પર લાવવામાં કામિયાબ થયા છે. તેમણે કહ્યુ છે કે આજે દુનિયાના તમામ દેશ પુલવામા હુમલાને વખોડી રહ્યા છે. હવે નિર્ણાયક લડાઈનો સમય છે, હવે આતંકવાદ પર જે લડાઈ થશે તે નિર્ણાયક હશે. તેમણે કહ્યુ છે કે ચીન પણ પુલવામા એટકે બાદ ભારતની સાથે ઉભું છે અને પાકિસ્તાન એકદમ અલગ-થલગ છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે કોંગ્રેસના આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે આ પાયાવિહોણા આરોપ છે અને જવાનોની શહાદત પર રાજનીતિ થવી જોઈએ નહીં. તેમણે કહ્યુ છે કે વડાપ્રધાનથી વધારે સંવેદનશીલ કોઈ હોઈ શકે નહીં અને હુમલાની માહિતી મળતાની સાથે જ તેમણે લોકો સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. દેશની સુરક્ષા સાથે જોડાયેલા સવાલો પર કોંગ્રેસે આવા પ્રકારની રાજનીતિ કરવી જોઈએ નહીં.
કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે કહ્યુ છે કે વડાપ્રધાન મોદીને તાત્કાલિક હુમલાની જાણકારી આપવામાં આવી હતી અને આમા કોઈપણ વિલંબ થયો નથી. વડાપ્રધાન મોદીને આવા પ્રકારના સવાલ કરવા યોગ્ય નથી. અમિત શાહના નિવેદન પર રાજનાથસિંહે કહ્યુ છે કે ભાજપની સરકારનો મતલબ છે કે વડાપ્રધાનની આગેવાનીમાં અમે મજબૂતાઈથી પગલા આગળ વધારી રહ્યા છીએ.
રાજનાથસિંહે કહ્યુ છે કે એનઆઈએ પુલવામા એટેકની તપાસ કરી રહી છે અને આપણે તપાસ વગર કોઈ નિવેદન આપવું જોઈએ નહીં. તેમણે કહ્યુ છે કે વિસ્ફોટકોને લઈને પણ તમામ વાતો સામે આવી રહી છે. પરંતુ તપાસ બાદ જ આના સંદર્ભે કંઈ સ્પષ્ટપણે કહી શકાય તેમ છે. જવાનોને એરલિફ્ટ કરવાના સવાલ પર રાજનાથસિંહે કહ્યુ છે કે કોંગ્રેસના શાસનમાં તો જમ્મુથી શ્રીનગર માટે માત્ર ચાર એર કેરિયર સેવા હતી. પણ તેને વધારીને હાલની સરકારે સાત કરી છે અને પછી ચાર દિવસ વધુ લંબાવી. રાજનાથસિંહે કહ્યુ છે કે જવાનોના મામલે હાલની સરકાર ખૂબ જ સંવેદનશીલ છે અને તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે.
શહીદ જવાનની અંતિમ યાત્રામાં ભાજપના સાંસદ સાક્ષી મહારાજની હસતા ચહેરા સાથેની તસવીર પર રાજનાથસિંહે કહ્યુ છે કે જનતા માટે નેતાઓએ સંવેદનશીલ હોવું જોઈએ. નહીં, તો તેઓ જનતાની સેવા કરી શકશે નહીં. તેમણે કહ્યુ છેકે આવું થવું જોઈતું ન હતું.
રાજનાથ સિંહે 1971ના યુદ્ધને યાદ કરીને કહ્યુ હતુ કે તેમના નેતા અટલ બિહારી વાજેપયીએ બાંગ્લાદેશના ઉદય પહેલા પાકિસ્તાન સામેના યુદ્ધ વખતે સંસદમાં ઉભા થઈને ઈન્દિરા ગાંધીના વખાણ કર્યા હતા. તેમમે તે સમયની સરકારના પગલાના વખાણ કર્યા હતા. રાજનાથ સિંહે કહ્યુ છે કે રાષ્ટ્રીય સુરક્ષા મામલે લેફ્ટિનેન્ટ જનરલ ડી. એસ. હુડ્ડા કોંગ્રેસને સારા સૂચનો આપશે. તેમની રાજકારણ સાથે કોઈ લેવા નથી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે કહ્યુ છે કે હાલની સરકાર જનતાના ભરોસાને તૂટવા દેશે નહીં અને પુલવામા હુમલાનો જવાબ પુરજોર રીતે અપાશે. તેમણે કહ્યુ છે કે વડાપ્રધાન મોદીએ આકરું નિવેદન આપ્યું છે અને કામ પણ કઠોરતા સાથે કરવામાં આવશે. પાકિસ્તાન સાથે યુદ્ધના મામલે પુછવામાં આવેલા સવાલના જવાબમાં રાજનાથસિંહે કહ્યુ હતુ કે હાલ આના સંદર્ભે કંઈ કહી શકાય તેમ નથી.
રાજનાથસિંહે કહ્યુ છે કે સીમા પર ભારતના જવાનો વધુ સતર્ક થઈ ગયા છે. પાકિસ્તાનમાં હવે ખળભળાટ સર્જાયો છે અને ત્યા સીમાની નજીકના ગામડા ખાલી કરાવાઈ રહ્યા છે. રાજનાથસિંહે કહ્યુ છે કે ભારત તરફથી શું કરવામાં આવશે, તેના સંદર્ભે કંઈ કહી શકાય તેમ નથી. પરંતુ વડ઼ાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે સરકારે જવાનોને ખુલ્લી છૂટ આપી દીધી છે. આ ઘણું કઠોર નિવેદન છે.
રાજનાથસિંહે કહ્યુ છે કે આખી દુનિયા જાણે છે કે આતંકવાદ પાકિસ્તાનમાં પેદા થાય છે અને ત્યાં જ ફાલેફૂલે છે. દુનિયાભારમાં આતંકવાદી ઘટનાઓની પાછળ પાકિસ્તાનની સાજિશ હોય છે. પાકિસ્તાન હવે હાફિઝ સઈદના સંગઠનને પ્રતિબંધિત કરીને દુનિયાની છેતરપિંડીની કોશિશ કરી રહ્યું છે અને આ માત્ર દેખાડો છે.
રાજનાથસિંહે કહ્યુ છે કે પાકિસ્તાન તો આતંકવાદીઓને સુરક્ષિત ઠેકાણાઓમાં છૂપાવવાનું કામ કરી રહ્યું છે. તેમણે કહ્યુ છે કે સરકાર પાકિસ્તાનને પુરાવા આપવા જઈ રહી નથી અને ભારતના લોકોના દિલોમાં પણ આગ સળગી રહી છે.
તેમણે કહ્યુ છે કે ભારત કે વીર વેબસાઈટ દ્વારા પણ જવાનોને ઘણી મદદ મળી રહી છે અને તેના કારણે 2016માં તેમણે આ વેબસાઈટ લોન્ચ કરી હતી. તેમણે તેના માટે અભિનેતા અક્ષયકુમારનો પણ આભાર માન્યો છે. હવે કોઈ જવાનના પરિવારને એક કરોડથી ઓછી આર્થિક મદદ મળી રહી નથી. પરંતુ એ પણ સાચું છે કે નાણાંથી કોઈપણ વ્યક્તિની જિંદગીનું મૂલ્યાંકન થઈ શકે નહી. પરંતુ આનાથી પરિવારોને મદદ જરૂરથી મળે છે.
રાજનાથસિંહે કહ્યુ છે કે સરકાર જેટલી દરિયાદિલી દેખાડી શકતી હતી, તેટલી દેખાડી ચુકી છે. સામેથી જેવો પ્રતિસાદ મળવો જોઈએ તેવો મળ્યો નથી. કાશ્મીરમા કેટલાક લોકો પાકિસ્તાન પાસેથી નાણાં લે છે અને તેના ઈશારે કામ કરે છે. આ લોકો કાશ્મીરના માધ્યમથી ભારતમાં અશાંતિનો માહોલ પેદા કરવાની કોશિશ કરી રહ્યા છે. તેના કારણે સરકારે ભાગલાવાદીઓની સુરક્ષા પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. તેમણે પીડીપીની સાથે શાંતિ અને અમન બહાલી માટે સરકાર બનાવી હતી. પરંતુ આ કોશિશ નિષ્ફળ રહી છે.
રાજનાથસિંહે કહ્યુ છે કે મોદીનો વિરોધ કરવો રાષ્ટ્ર વિરોધ હોવાનું ક્યારેય કહેવાયું નથી. લોકશાહીમાં તમામને વિરોધ કરવાનો અધિકાર છે. કાશ્મીરમાં કલમ-370ના સવાલ પર તેમણે કહ્યુ હતુ કે જે પણ કંઈ કરવાની જરૂરિયાત હશે, તેવા પગલા ઉઠાવવા માટે સરકાર તૈયાર છે.
કાશ્મીરી સ્ટૂડન્ટ્સ પર હુમલાની ઘટનાઓ પર રાજનાથસિંહે કહ્યુ છે કે જો આવી ઘટનાઓ થઈ છે, તો આ બિલકુલ નિંદનીય છે. આપણા કાશ્મીરના નવયુવાનો માટે કોઈપણ પ્રકારનુંસંકટ પેદા કરવામાં આવે નહીં, તેના માટે તાત્કાલિક રાજ્ય સરકારોને એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. આપણા કાશ્મીરના સ્ટૂડન્ટ્સ અલગ-અલગ વિસ્તારોમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. તેમની સુરક્ષા પર કોઈપણ પ્રકારની આંચ આવવા દેવામાં નહીં આવે.
આતંકવાદી ઘટનાઓ માટે કોઈને પણ જવાબદાર ઠેરવવા યોગ્ય નથી. જો આમ જોવામાં આવે તો કેટલીક ઘટનાઓ થઈ છે, કોઈક ચૂક થઈ છે તો તેમા સુધારો કરવામાં આવશે. રાજનાથ સિંહે કહ્યુ છે કે દેશને તેઓ કહેવા માગે છે કે સરકાર જનતાનો ભરોસો તૂટવા દેશે નહીં અને હાલ જે પગલા ઉઠાવાઈ રહ્યા છે તે તો માત્ર શરૂઆત છે.