પાંચ વર્ષમાં પાકિસ્તાન પર ત્રણ સ્ટ્રાઈક, બેની જાણકારી આપીશ, ત્રીજીની વાત નહીં કરું: રાજનાથસિંહ
કર્ણાટકના મેંગલુરુમાં એક જાહેરસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે દાવો કર્યો છે કે ગત પાંચ વર્ષોમાં ત્રણ વાર આપણી સીમાની બહાર જઈને સફળતાપૂર્વક સ્ટ્રાઈક કરી છે. તેમણે કહ્યુ હતુ કે બેની તેઓ જાણકારી આપશે, પરંતુ ત્રીજાની વાત નહીં કરે.
રાજનાથસિંહે કહ્યુ છે કે તમામ ભેદભાવને ભુલાવીને આતંકવાદ વિરુદ્ધ એકસાથે ઉભા રહેવું જોઈએ. ગત પાંચ વર્ષોમાં ત્રણ વખત આપણી સરહદની બહાર જઈને આપણે લોકોએ હુમલા કર્યા અને એરસ્ટ્રાઈક કરીને કામિયાબી પ્રાપ્ત કરી છે. બેની બાબતે જણાવીશ. પણ એકની વાત નહીં કરું. બેની જાણકારી તમને આપીશ, પણ ત્રીજાની વાત નહીં કરું.
રાજનાથ સિંહે કહ્યુ છે કે એક વખત તમે જોયું કે ઉરીમાં રાત્રે સુતેલા આપણા 17 જવાનોને કાયરતાપૂર્ણ હુમલામાં શહીદ કરવામાં આવ્યા હતા. તેના પછી સેનાએ મોટો નિર્ણય કર્યો અને જે થયું, તેની તમને સારી રીતે જાણકારી છે. બીજી એર સ્ટ્રાઈક પુલવામાની ઘટના બાદ કરવામાં આવી. ત્રીજાની જાણકારી નહીં આપું. હવે આ ભારત કમજોર ભારત નથી રહ્યું. મજબૂત ભારત બની ચુક્યું છે.