Site icon Revoi.in

રાજનાથ સિંહે દશેરાના અવસર પર સુકના મિલિટરી સ્ટેશન ખાતે સૈનિકો સાથે શસ્ત્ર પૂજા કરી

Social Share

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે દશેરાના શુભ પ્રસંગે પશ્ચિમ બંગાળના સુકના મિલિટરી સ્ટેશન પર પરંપરાગત શસ્ત્ર પૂજા કરી હતી. ભારતીય સૈન્યમાં આ મહત્વપૂર્ણ સમારોહ રાષ્ટ્રની સાર્વભૌમત્વના રક્ષકો તરીકે શસ્ત્રો પ્રત્યેના આદરનું પ્રતીક છે. રક્ષામંત્રીએ કળશ પૂજા સાથે વિધિની શરૂઆત કરી હતી, ત્યારબાદ શસ્ત્ર પૂજા અને વાહન પૂજાનો પ્રારંભ કર્યો હતો. તેમણે અત્યાધુનિક પાયદળ, આર્ટિલરી અને કોમ્યુનિકેશન સિસ્ટમ, મોબિલિટી પ્લેટફોર્મ અને ડ્રોન સિસ્ટમ સહિત અનેક આધુનિક સૈન્ય ઉપકરણો માટે પ્રાર્થના પણ કરી હતી. રક્ષામંત્રીની સૈનિકો સાથેની વાતચીત સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

પોતાનાં સંબોધનમાં રાજનાથ સિંહે સરહદો પર શાંતિ અને સ્થિરતા જાળવવામાં સૈન્ય દળોની સતર્કતા અને મહત્ત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દશેરા અનિષ્ટ પર સારપની જીતનું પ્રતીક છે અને સૈનિકો માનવીય મૂલ્યો માટે સમાન આદર ધરાવે છે. “ભારતે ક્યારેય કોઈ પણ દેશ પર નફરત કે તિરસ્કારથી હુમલો કર્યો નથી. આપણે ત્યારે જ લડીએ છીએ જ્યારે કોઈ આપણી અખંડિતતા અને સાર્વભૌમત્વનું અપમાન કરે અથવા તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે; જ્યારે ધર્મ, સત્ય અને માનવીય મૂલ્યોની વિરુદ્ધ યુદ્ધ છેડવામાં આવે છે. આ જ આપણને વારસામાં મળ્યું છે. અમે આ વારસાનું જતન કરતા રહીશું. જો કે, જો અમારા હિતો પર જોખમ ઉભું થશે, તો અમે કોઈ મોટું પગલું ભરતા અચકાશું નહીં. શસ્ત્ર પૂજા એ સ્પષ્ટ સંકેત છે કે જો જરૂર પડશે, તો શસ્ત્રો / ઉપકરણોનો ઉપયોગ સંપૂર્ણ બળ સાથે કરવામાં આવશે,”રક્ષા મંત્રીએ જણાવ્યું હતું.

શક્તિ, સફળતા અને સલામતી માટે આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવતી આ વિધિઓ દશેરાની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઊંડાઈની પુષ્ટિ કરે છે, જે દેશની સુરક્ષામાં શસ્ત્ર પ્રણાલીની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકે છે. તે રાષ્ટ્રની રક્ષા માટે સશસ્ત્ર દળોની સજ્જતા, સંકલ્પ અને અતૂટ સમર્પણનું પ્રતીક છે. સમારંભમાં ભારતીય સેનાની પરંપરા અને આધુનિકીકરણના મિશ્રણ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેમાં ભારતની સાર્વભૌમત્વની જાળવણી અને સ્વદેશી સંરક્ષણ પ્રણાલીઓ અને પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, સંરક્ષણ સચિવ તરીકે નિયુક્ત આર.કે.સિંઘ, જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, ઇસ્ટર્ન કમાન્ડ લેફ્ટનન્ટ જનરલ રામ ચંદર તિવારી, બોર્ડર રોડ્સના ડીજી લેફ્ટનન્ટ જનરલ રઘુ શ્રીનિવાસન, જનરલ ઓફિસર કમાન્ડિંગ, ત્રિશક્તિ કોર્પ્સ લેફ્ટનન્ટ જનરલ ઝુબિન એ મિન્વાલા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા