Site icon Revoi.in

ભટિંડામાં સૈન્ય મથકમાં ગોળીબારની ઘટના અંગે રાજનાથ સિંહે સેના પાસે રિપોર્ટ માંગ્યો

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે પંજાબના ભટિંડામાં સૈન્ય મથક પર થયેલી ગોળીબારની ઘટના અંગે સેના પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તેમણે કહ્યું કે, સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ પંજાબ સરકારે પણ ભટિંડા પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ભારતીય સેનાએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ ફાયરિંગની ઘટનાથી લોકોમાં ભય ફેલાયો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર ભટિંડા મિલિટરી સ્ટેશન ખાતે ફાયરિંગની ઘટનામાં ચાર જવાનોએ જીવ ગુમાવ્યો હતો. રાજ્ય પોલીસે તેને ‘ઇન્ટર ફાયરિંગ’ની ઘટના ગણાવી છે. પંજાબના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ એસપીએસ પરમારે કહ્યું કે, આ કોઈ આતંકવાદી હુમલો નથી, કોઈ બહારની વ્યક્તિએ હુમલો કર્યો નથી. આ પરસ્પર ગોળીબારની ઘટના છે. ગોળીબાર બાદ તરત જ ક્વિક રિએક્શન ટીમો સક્રિય થઈ હતી અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ગોળીબારની ઘટના બાદ ભટિંડા મિલિટરી સ્ટેશનના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે મિલિટ્રી સ્ટેશનમાં પરિવારના સભ્યોને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. કેમ્પસની અંદરની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભટિંડા લશ્કરી સ્ટેશન એશિયાનું સૌથી મોટું લશ્કરી મથક છે અને તે સૈન્યનું મુખ્યાલય 10 કોર્પ્સનું ઘર છે. પીવટ ‘ચેતક’ કોર્પ્સ દક્ષિણ પંજાબ અને ઉત્તર રાજસ્થાનમાં પાકિસ્તાન સાથેની ભારતની સરહદની રક્ષા માટે છે. કહેવામાં આવી રહ્યું છે કે, બે દિવસ પહેલા અહીંથી 28 રાઉન્ડ કારતુસ સાથેની એક ઇન્સાસ રાઇફલ ગુમ થઈ ગઈ હતી. આશંકા છે કે હુમલામાં આ રાઈફલનો ઉપયોગ થઈ શકે છે. સેનાએ કહ્યું કે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.