Site icon Revoi.in

જાપાન પ્રવાસઃ સંરક્ષણ સાધનો-ટેકનિકલ સહયોગના ક્ષેત્રમાં ભાગીદારીનો વ્યાપ વિસ્તારવા રાજનાથસિંહે ભાર મુક્યો

Social Share

નવી દિલ્હીઃ ટોક્યોમાં જાપાનના સંરક્ષણ મંત્રી યાસુકાઝુ હમાદા અને ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વચ્ચે બેઠક મળી હતી. બંને મંત્રીઓએ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ તેમજ ક્ષેત્રીય બાબતોના વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી. તેઓએ ભારત-જાપાન સંરક્ષણ ભાગીદારીના મહત્વ અને મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખી.

પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારત-જાપાન દ્વિપક્ષીય સંરક્ષણ કવાયતમાં વધતી જતી જટિલતાઓ બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવાનો પુરાવો છે. બંને મંત્રીઓએ ‘ધર્મ ગાર્ડિયન’, ‘જીમેક્સ’ અને ‘માલાબાર’ સહિત દ્વિપક્ષીય અને બહુપક્ષીય કવાયતો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેઓએ આ વર્ષે માર્ચમાં ‘મિલન’ કવાયત દરમિયાન પુરવઠા અને સેવા કરારની પારસ્પરિક જોગવાઈનું સ્વાગત કર્યું હતું. બંને મંત્રીઓ સંમતી વ્યક્ત કરી હતી કે, લડાયક કવાયતનું વહેલું આચરણ બંને દેશોની હવાઈ દળો વચ્ચે વધુ સહકાર અને આંતર-કાર્યક્ષમતા માટે માર્ગ મોકળો કરશે.

રક્ષા મંત્રીએ સંરક્ષણ સાધનો અને ટેકનિકલ સહયોગના ક્ષેત્રમાં ભાગીદારીનો વ્યાપ વિસ્તારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જાપાની ઉદ્યોગોને ભારતના સંરક્ષણ કોરિડોરમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું, જ્યાં સંરક્ષણ ઉદ્યોગના વિકાસ માટે ભારત સરકાર દ્વારા અનુકૂળ વાતાવરણ બનાવવામાં આવ્યું છે. આ વર્ષે ભારત અને જાપાન વચ્ચેના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થયા છે. બે મજબૂત લોકશાહી તરીકે, બંને દેશો વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી માટે પ્રયત્નશીલ છે.