અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના પ્રભારી તરીકે પ્રદેશના મહામંત્રી રજની પટેલને હવાલો સોંપાયો
અમદાવાદઃ ભાજપના અગ્રણી એવા ધર્મેન્દ્ર શાહને રાતોરાત પ્રદેશના સહકોષાધ્યક્ષ અને અમદાવાદ શહેર ભાજપ સંગઠનના સહ પ્રભારી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રભારીપદેથી કેમ હાંકી કઢાયા બાદ અમદાવાદ મ્યનિ.કોર્પોરેશનના ભાજપના પ્રભારી તરીકે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને પ્રદેશ મહામંત્રી રજની પટેલની નિમણૂંક કરવામાં આવી છે.
પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ અને અમદાવાદ શહેર ભાજપ સંગઠનના સહ પ્રભારી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રભારીપદેથી ધર્મેન્દ્ર શાહને મુક્ત કરાયા છે, ધર્મેન્દ્ર શાહ એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે પણ સેવાઓ આપી ચૂક્યા હતા. અને તેમને મ્યુનિના વહિવટનો બહોળો અનુભવ હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી બનાવવામાં આવ્યા હતા.પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન મ્યુનિ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટરોની અનેક ફરિયાદો મળતા હાઈકમાન્ડની સુચનાથી તેમને પ્રભારી તરીકે હટાવ્યા છે. ત્યારે ભાજપના પ્રદેશના મહામંત્રી રજની પટેલને હવે કોર્પોરેશનની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, રજની પટેલ પ્રદેશ ભાજપમાં મહામંત્રીની મહત્વની જવાબદારી સંભાળી રહ્યા હોવાથી મ્યુનિના પ્રભારી કરીકે પુરતો સમય આપી શકશે કે કેમ તેની કાર્યકર્તાઓમાં ચર્ચા ચાલી રહી છે. શહેરમાં પ્રજાની સમસ્યાની કામગીરીનો કોઈ અનુભવ ન હોય તેવા નેતાને મ્યુનિ.કોર્પોરેશનમાં પ્રભારીની નિમણૂંક આપી દેવાઇ છે. આ નિમણૂંક બાદ હવે સંગઠન અને મ્યુનિ. કોર્પોરેશનમાં ચાલતા આંતરિક વિવાદો દૂર થશે કે કેમ? તે મોટો પ્રશ્ન છે.
પ્રદેશ ભાજપના સૂત્રોના કહેવા મુજબ લોકસભાની ચૂંટણી બાદ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કેન્દ્રમાં મંત્રી બનાવ્યા બાદ ગુજરાતમાં રજની પટેલનું કદ પ્રદેશમાં વધ્યું છે. જોકે, આ પ્રભારી તરીકેની નિમણૂંક હાલ કેટલાક સમય માટે જ કરવામાં આવી છે. રજની પટેલની જવાબદારી પ્રભારી તરીકેની સોંપવામાં આવી છે, પરંતુ કોર્પોરેશનમાં થતી કામગીરીથી લઈ અને તમામ બાબતો કોન્ટ્રાક્ટર અને નિર્ણયો માટે મ્યુનિ. કોર્પોરેશનના જ કોઈ હોદ્દેદાર અથવા કોઈ અનુભવી નેતાને જવાબદારી સોંપવામાં આવે એવી ચર્ચા ચાલી રહી છે.