Site icon Revoi.in

અમદાવાદમાં ક્ષત્રિય સમાજની ધર્મરથ યાત્રામાં રાજપૂતોએ લગાવ્યા જય ભવાનીના નારા

Social Share

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચરણો સામે ક્ષત્રિય સમાજના નારાજગી બાદ રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજે ભાજપ સામે બાંયો ચડાવી છે. અને દરેક ક્ષેત્રમાં ક્ષત્રિય સમાજને જાગૃત કરવા માટે ધર્મ રથયાત્રાઓનું આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદ શહેરમાં નરોડાથી વસ્ત્રાલ સુધી યોજાયેલી ક્ષત્રિય સમાજની ધર્મયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. ક્ષત્રિય મહિલાઓએ તલવારનો રાસ લીધો હતો. અને જય ભવાનીના નારાથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતુ.

અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા નરોડા ખાતેથી શરૂ થયેલી ક્ષત્રિય ધર્મરથ યાત્રા નરોડા, કૃષ્ણનગર, બાપુનગર, ખોખરા હાટકેશ્વર, અમરાઈવાડી થઈ અને સાંજે વસ્ત્રાલ ખાતે પૂર્ણ થઈ હતી. ધર્મરથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા. યાત્રામાં ‘જય ભવાની ભાજપ જવાની’ના નારા લગાવવામાં આવ્યા હતા.

ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર ધર્મરથ કાઢી ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રવિવારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધર્મરથ યાત્રા કાઢવામાં આવી હતી. સવારે નરોડા જય માતાજી ચોકથી શરૂ થયેલી આ યાત્રા નરોડા ગામ ખાતે પહોંચી ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેસરી ઝંડા સાથે બાઈકો અને કારના કાફલામાં નીકળેલી આ યાત્રા શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી હતી. નરોડા ખોડિયાર ચોક (જય માતાજી ચોક)થી શરૂ થઈ નરોડા, કૃષ્ણનગર, બાપુનગર, ખોખરા સહિતના વિસ્તારોમાં ફરી વસ્ત્રાલ ખાતે સાંજે પૂર્ણ થઈ હતી. ખોખરામાં રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા તલવારરાસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આ ધર્મરથ યાત્રા અમદાવાદ પૂર્વ લોકસભાના નરોડા અને બાપુનગર વિધાનસભા અને પશ્ચિમ લોકસભાના બે વોર્ડ ફરી હતી. અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપનો વિરોધ કર્યો હતો. આ યાત્રામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો અને આગેવાનો જોડાયા હતા. લોકોમાં જાગૃતિ લાવવા અને લોકશાહી બચાવો અસ્મિતા ટકાવવા માટેની આ યાત્રાને ક્ષત્રિય સમાજ દ્વારા કાઢવામાં આવી હતી.