રાજ્યસભાની પેટાચૂંટણીઃ ભાજપે બે ઉમેદવારોના નામ કર્યાં જાહેર
અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડતા આગામી તા. 1લી માર્ચના રોજ પેટાચૂંટણી યોજાશે. આ બંને બેઠકોની ચૂંટણી માટે ભાજપ દ્વારા બે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તા. 1લી માર્ચના રોજ બંને બેઠકો માટે મતદાન યોજાશે. વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનું સખ્યાબળને જોતા આ બંને બેઠકો ઉપર ભાજપની જીત થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યસભાના સભ્ય અહેમદ પટેલ અને ભાજપના અભર ભારદ્વાજનાં અવસાન બાદ રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. જે પૈકી એક બેઠકની ટર્મ 2023માં જ્યારે બીજી બેઠકની ટર્મ 2026માં પૂર્ણ થાય છે. ખાલી પડેલી બંને બેઠકો ઉપર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી દરમિયાન ભાજપના કેન્દ્રીય કાર્યાલય વતી રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે પેટાચૂંટણી માટે દિનેશભાઈ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયાનાં નામોની જાહેરાત કરી છે. રાજ્યસભાની ચૂંટણી માટે તા. 18મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. રામભાઈ મોકરિયાએ વિધાનસભાની ચૂંટણીમાં પોરબંદરથી ટિકીટની માંગણી કરી હતી. જ્યારે દિનેશ પ્રજાપતિ ભાજપના ઓબીસી મોરચાના પ્રમુખ છે અને એસટી નિગમમાં ડિરેક્ટર તરીકે સેવા આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા. 1લી માર્ચના રોજ બંને બેઠકો માટે મતદાન યોજાશે. બંને બેઠકો માટે અલગ-અલગ મતદાન યોજાવાનું હોવાથી બંને બેઠકો ઉપર ભાજપની જીત થવાની શકયતા છે.