અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાના સભ્ય અહેમદ પટેલ અને અભય ભારદ્વાજનું નિધન થતા રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. જેથી ચૂંટણીપંચ દ્વારા બંને બેઠકો માટે તા. 1લી માર્ચના રોજ ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. બંને બેઠકો માટે ભાજપ દ્વારા રામ મોકરિયા અને દિનેશ પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી. તેમજ બંને ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. જો કે, રાજ્યસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં ન હતા. આજે આ બંને ઉમેદવારો બિનહારીફ જાહેર થયા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી થતા ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આ બંને બેઠકો ઉપર અલગ-અલગ મતદાન યોજાવાનું હતું. ભાજપ દ્વારા બે ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. આ બંને બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવતી હતી. બીજી તરફ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી ન હતી. ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ જાહેર થયાં છે. હવે રાજ્યસભાનું ગુજરાતમાં ભાજપના 8 સાંસદો પ્રતિનિધિ કરશે. જ્યારે કોંગ્રેસના ત્રણ સાંસદો ગુજરાતનું પ્રતિનિધિ કરશે. આમ રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ વધ્યું છે.