અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે આગામી તા. 1લી માર્ચના રોજ પેટાચૂંટણી યોજાશે. બંને બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. આજે બંને ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજયસભાના સભ્ય અહેમદ પટેલ અને અભય ભારદ્વાજનું નિધન ખાલી થતા ગુજરાતની બે બેઠકો ખાલી પડી હતી. જેથી આ બંને બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. તા. 1લી માર્ચના રોજ પેટાચૂંટણી યોજાશે. બંને બેઠકો માટે અલગ-અલગ મતદાન યોજાશે. દરમિયાન ભાજપ દ્વારા પેટાચૂંટણી માટે દિનેશ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયાની પસંદગી કરી છે. આજે બંને ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
રાજયસભાની ખાલી પડેલી બે બેઠકો માટે આજે નામાંકનના અંતિમ દિવસે ભાજપે જાહેર બંને ઉમેદવારોએ વિધાનસભા ભવન ખાતે પહોંચી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગ્રે ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. બીજી તરફ કોંગ્રેસમાંથી કોઇ ઉમેદવારી ન થતાં આ બંને નેતાઓ બીન હરીફ રાજયસભામાં ચૂંટાશે તે નિશ્ર્ચિત છે.