અમદાવાદઃ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને ગુજરતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાનું રાજ્યસભાના ઉપસભાપતિના હસ્તે રાષ્ટ્રીય સન્માન કરવામાં આવશે. આગામી તા. 19મી જૂનના રોજ આ સન્માન સમારંભ યોજાશે. જેમાં વિષ્ણુ પંડ્યા ગુજરાતી પત્રકારત્વની યાત્રા વિશે વ્યાખ્યાન આપશે.
હિન્દી સાહિત્ય વિદ્વાન પત્રકાર અને સાહિત્યકાર સ્વ.માધવરાવ સપ્રે.ના નામે રાષ્ટ્રીય સ્તરનું સન્માન અને એવોર્ડ આપવામાં આવે છે આ વર્ષે ભોપાલના સપ્રે સંગ્રહાલય અને સંશોધન કેન્દ્રના 39માં સ્થાપના દિવસે એક કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર, સાહિત્યકાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાને આ એવોર્ડ એનનાયત કરવામાં આવશે. રાજ્યસભાના ઉપસભાપતિ અને હિન્દી પત્રકાર ડો. હરિવંશના હસ્તે આ સન્માન આપવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ મધ્યપ્રદેશ સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. વિકાસ દવે ઉપસ્થિત રહેશે. યુનિવર્સિટી, સંગ્રહાલય તેમજ ભોપાલ ગુજરાતી સમાજના સંયુકત ઉપક્રમે 19મી જૂનના રોજ યોજાનારા આ કાર્યક્રમમાં ગુજરાતી પત્રકારત્વની યાત્રા વિશે વિષ્ણુ પંડ્યા અને ભારતીય પત્રકારત્વ વિશે ડો. હરિવંશનું વ્યાખ્યાન યોજાશે. સપ્રે સંગ્રહાલય 39 વર્ષથી ભોપાલમાં રાષ્ટ્રીય સ્તરનું કાર્ય કરી રહી છે અને તેના સંસ્થાપક વિજય દત્ત શ્રીધર સમગ્ર દેશમાં આ એક માત્ર હિન્દી પત્રકારત્વ સંશોધન કેન્દ્ર અને સંગ્રહાલયના નિયામક છે.