રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાતમાંથી ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયાં
અમદાવાદઃ રાજ્યસભાના ગુજરાતના ચાર સભ્યો આગામી એપ્રિલ મહિનામાં નિવૃત્ત થઈ રહ્યાં છે, જેને લઈને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ચાર બેઠકો માટે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત 4 સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. જ્યારે કોંગ્રેસે એક પણ ઉમેદવાર ઉતાર્યો ન હતો. બીજી તરફ ગઈકાલે એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થતા ભાજપના ચાર ઉમેદવાર અને ડમી ઉમેદવાર જ બાકી રહ્યાં હતા. દરમિયાન આજે ડમી ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા હતા. આમ ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યાં હતા.
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપાએ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંત સિંહ પરમારએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ પહેલા એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. તેથી ભાજપના ચારેય ઉમેદવાર બિનહરિફ ચૂંટાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી. દરમિયાન આજે ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આમ હવે રાજ્યસભામાં ગુજરાતના 11 પૈકી 10 ભાજપના સભ્યો રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. જ્યારે કોંગ્રેસ પાસે હાલ રાજ્યસભાની એક બેઠક છે.
લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યસભાની ચૂંટણીને મહત્વની માનવામાં આવી રહી છે. આગામી એપ્રિલ મહિનામાં રાજ્યસભાના 56 ઉમેદવારો નિવૃત્ત થઈ રહ્યાં છે. જેને લઈને ચૂંટણીપંચ દ્વારા 27મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હવે રાજ્યમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવે.
(PHOTO-FILE)