નવી દિલ્હીઃ ભાજપાએ આજે રાજ્યસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી જેમાં પાંચ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપાએ ઓડિસાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણને ઉમેદવાર બનાવ્યાં છે. જ્યારે મધ્યપ્રદેશથી માયા નરોલિયા અને એલ.મુરુગન, બંસીલાલ ગુર્જર અને ઉમેશ નાથ મહારાજને ઉમેદવાર બનાવામાં આવ્યા હતા. ઓડિશાની સત્તાધારી પાર્ટી બીજદએ અશ્વિની વૈષ્ણવની ઉમેદવારીને સમર્થન આપ્યું છે.
આગામી રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગત રવિવારે ભાજપાએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. ઉત્તરપ્રદેશથી સુધાંશુ ત્રિવેદી અને આરપીએન સિંહને ટીકીટ આપવામાં આવી છે. હરિયાણાથી સુભાષ બરાલાની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં કુલ 14 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં હતા. બિહારથી ધર્મશીલા ગુપ્તા, ડો.ભીમ સિંહ, છત્તીસગઢથી રાજા દેવેન્દ્ર પ્રતાપસિંહ, કર્ણાટકથી નારાયણ કૃષ્ણાસા ભાંડગે, ઉત્તરાખંડમાંથી મહેન્દ્ર ભટ્ટ અને પશ્વિમ બંગાળમાંથી સામિક ભટ્ટાચાર્યને ટીકીટ આપવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાંથી ચૌધરી તેજવીર સિંહ, સાધના સિંહ, અમરપાલ સિંહનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આમ રાજ્યસભા માટે ભાજપાએ અત્યાર સુધીમાં કુલ 19 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે.
આગામી 2 એપ્રિલના રોજ રાજ્યસભાના 50 સભ્યો અને 3 એપ્રિલના રોજ છ સભ્યો નિવૃત્ત થઈ રહ્યાં છે. જેથી ખાલી પડનારી આ બેઠકોને લઈને આગામી 27મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. ઉમેદવારી દાખલ કરવાની અંતિમ તારીખ 15મી ફેબ્રુઆરી છે, જ્યારે 16મી ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે.