અમદાવાદઃ રાજ્યસભાના 56 સભ્યો આગામી દિવસોમાં નિવૃત્ત થઈ રહ્યાં છે. જેને લઈને આ બેઠકો માટે ફેબ્રુઆરી મહિનાના અંતમાં ચૂંટણી યોજાશે. ગુજરાતના ચાર સભ્યો પણ નિવૃત્ત થઈ રહ્યાં છે. આ બેઠકો માટે ભાજપાએ ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતમાંથી ઉમેદવારી કરશે.
ભાજપાએ આજે રાજ્યસભા ચૂંટણીને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રના સાત ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ગુજરાતમાંથી જે.પી.નડ્ડા, ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક, જશવંતસિંહ પરમારની પસંદગી કરવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્રમાંથી અશોક ચવ્હાણ, શ્રીમતી મેઘા કુલકર્ણી અને ડો. અજીત ગોપછંડેને ટીકીટ ફાળવવામાં આવી છે. અશોક ચવ્હાણ તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગઈકાલે ભાજપામાં જોડાયા હતા. દરમિયાન આજે તેમને રાજ્યસભાની બેઠક ફાળવવામાં આવી છે.
ગુજરાતમાં ભાજપાએ ચાર ઉમેદવાર જાહેર કર્યાં છે. જો કે, રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ ઉમેદવાર ઉભા રાખવાનું ટાળે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે. જેથી ગુજરાતમાંથી ભાજપના તમામ ઉમેદવારો બિનહરિફ ચૂંટાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. જ્યારે તા. 27મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે.
સુત્રોના જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણી પહેલા દેશમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. એપ્રિલ મહિનામાં રાજ્યસભામાંથી લગભગ 56 સભ્યો નિવૃત્ત થઈ રહ્યાં છે. બીજી તરફ તમામ રાજકીય પક્ષોએ લોકસભાની ચૂંટણીને લઈને પણ તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.