રાજ્યસભા પેટા ચૂંટણીઃ ભાજપના બંને ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે
અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે તા. 1લી માર્ચના રોજ પેટાચૂંટણી યોજાશે. જે માટે ભાજપ દ્વારા બે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ બંને ઉમેદવારો આવતીકાલે ગુરુવારે વિજય મૂહર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. બંને બેઠકો માટે અલગ-અલગ મતદાન થવાનું હોવાથી ભાજપના બંને ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવે છે. કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોની પસંદગી કરવામાં નહીં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યસભાના સભ્ય અહેમદ પટેલ અને અભય ભારદ્વાજનું નિધન થતા બે બેઠકો ખાલી પડી હતી. જેથી ચૂંટણીપંચ દ્વારા બંને બેઠકો ઉપર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આ બંને બેઠકો માટે 1લી માર્ચના રોજ અલગ-અલગ મતદાન યોજાશે. ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધારે હોવાથી બંને બેઠકો ઉપર ભાજપના જ ઉમેદવારોની જીત થવાની શકયતા છે. બીજી તરફ બંને બેઠકો ઉપર ઉમેદવાર ઉભા નહીં રાખવાનો કોંગ્રેસે ઈન્કાર કર્યો હતો.
રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા બનાસકાંઠાના દિનેશ પ્રજાપતિ અને પોરબંદરના રામભાઈ મોકરીયાની પસંદગી કરવામાં આવી છે. આ બંને નેતાઓ આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવા જાય તેવી શકયતા છે. હાલ ગુજરાત માંથી રાજ્યસભામાં ભાજપનું પ્રતિનિધિત્વ કરતા સભ્યોની સંખ્યા 6 છે આ બે ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં ભા.જ.પની સભ્ય સંખ્યા 8 થશે અને કોંગ્રેસ નું પ્રતિનિધિત્વ કરતા સાંસદોની સંખ્યા ત્રણ રહેશે.