Site icon Revoi.in

કાલે સોમવારે રક્ષાબંધન, રાખડીની અવનવી વેરાઈટીઓ, આજે રક્ષા ખરીદવા બહેનોની ભીડ જામી

Social Share

અમદાવાદઃ કાલે સોમવારે રક્ષાબંધનનું પર્વ છે. પવિત્ર રક્ષાબંધન પર્વના દિવસે પોતાના વીરા(ભાઈ) ની રક્ષા કાજે બહેનો દ્વારા રાખડી,રક્ષાસૂત્ર બાંધી તેમના લાંબા આયુષ્યની કામના કરાતી હોય છે, સામે પોતાની બહેનની દરેક તકલીફોમાં હિમાલયની જેમ અડગ ઉભો રહી તેની રક્ષા કરવાનું વચન આપી ભાઈ તેને જીવનપર્યતં નિભાવતો હોય છે. કાચા સુતરના તાંતણે નિભાવાતા આ અતૂટ બંધનના કારણે કદાચ આ પર્વને રક્ષાબંધન કહેવાતો હશે તેમ માનવું અતિશયોક્તિભર્યું નથી.કાલે સોમવારે રક્ષાબંધન પર્વ હોવાથી આજે રવિવારે રાખડીઓ, રક્ષાસૂત્રની ખરીદી કરવા બહેનો દ્વારા દુકાનો-લારીઓમાં ભારે ધસારો જોવા મળ્યો હતો.

કાલે સોમવારે ભાઈ-બહેનના પવિત્ર ગણાતા રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત તમામ શહેરોમાં દુકાનો અને લારીઓ પર રાખડીઓ ખરીદવા મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી. આ વખતે રાખડીઓની અવનવી ડિઝાઈનો જાવા મળી રહી છે. જેમાં ભાઈ માટે લકી સ્ટોન ગણાતા મધર ઓફ પર્લની રાખડીની ખૂબ ડિમાન્ડ રહી છે. તો બાળકો માટે સ્પિનર રાખડી છે. આ સાથે જ ચાંદી અને સુખડની રાખડીનો પણ ક્રેઝ જોવા મળી રહયો છે. આ સાથે જ આ વખતે દિવાળી કાર્ડની જેમ રાખડી કાર્ડ પણ આવ્યા છે. આ સાથે જ બાળકો માટે લાઈટિંગ અને મ્યુઝિકવાળી રાખડીની ડિમાન્ડ જોવા મળી હતી.

અમદાવાદ શહેરના રાયપુરમાં જથ્થાબંધ રાખડીના વેપારીએ જણાવ્યું હતું કે,  છેલ્લા 57 વર્ષથી રાખડીનો વેપાર કરી રહ્યા છીએ. રાખડીમાં આ વખતે ઘણું બધુ સારું કલેક્શન આવ્યુ છે. જેમાં ચંદન અને સુખડની રાખડી છે. આ ઉપરાંત નણંદ-ભાભીના લુંબા સેટની અનેક વેરાયટી બજારમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત બાળકો માટે વાત કરીએ તો છોટા ભીમ, સ્પાઇડર મેન સહિતની રાખડીઓ છે. આ સાથે જ આ વખતે મ્યુઝિક અને લાઈટિંગવાળી રાખડી છે. જેમાં ટેડી બિયર હોય છે. આ ઉપરાંત રાખડી કાર્ડ આવ્યા છે. રૂ. 10થી લઈ રૂ. 800 સુધીની રાખડી પણ અહીં ઉપલબ્ધ છે. જેમાં ચાંદી, સુખડ ઉપરાંત અમેરિકન ડાયમંડની રાખડી છે. આ વખતે મધર ઓફ પર્લ એટલે કે લકી સ્ટોન સાથેની રાખડી છે. જે માટે એડવાન્સ ઓર્ડર આપવામાં આવેલા છે. આ ઉપરાંત સ્પિનર રાખડી કે જેમાં રાઉન્ડ અને સ્ક્વેર સહિતની ડિઝાઇન છે.