અમદાવાદઃ શહેરમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બપોરના સમયે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થતો ત્યારે શહેરીજનોને ફડાકટા ફોડ્યા હતા. શહેરના છેવાડે બોપલ વિસ્તારમાં વિવિધ સોસાયટીમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો પણ ભગવાન શ્રી રામજી, માતા સીતાજી, ભાઈ લક્ષ્મણ અને હનુમાનજીનો વેશ ધારણ કરીને પ્રભુ રામજીની ભક્તિ કરી હતી.
શહેરના બોપલ વિસ્તારમાં સ્થાનિકોએ જય શ્રી રામના નારા સાથે ભવ્ય યાત્રા યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો પોતાના વાહન સાથે જોડાયા હતા. તેમજ હાથમાં ભગવો ધ્વજો અને જય શ્રી રામના ગગનભેદી નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ કરવામાં આવ્યું હોવાથી ઠેર-ઠેર મોટી સ્ક્રીન પણ ગોઠવવામાં આવી હતી. આ સ્ક્રીન ઉપર લોકોએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નીહાળીને આ પાવન પર્વના સાક્ષી બન્યાં હતા.
આ ઉપરાંત વિવિધ સોસાયટીમાં સવારથી જ હનુમાન ચાલીસા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં નાના બાળકોની સાથે મોટેરા પણ જોડાયા હતા. લોકો ગરબે ધૂમ્યા હતા અને ભજન કિર્તન કર્યાં હતા. માર્ગો ઉપર ઠેર-ઠેર ભગવા રંગની ધ્વજાઓથી શણગારવામાં આવ્યું હતું.
આ ઉપરાંત લાઈટીંગ કરવામાં આવી હતી. મંદિરોને પણ લાઈટથી શણગારવામાં આવ્યા હતા. મંદિરોમાં પણ સવારથી ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતા. તેમજ અનેક વાહન ચાલકો પોતાના વાહન ઉપર જયશ્રી રામ લખાવ્યું હતું. તેમજ ભગવાન શ્રી હનુમાનજીના ચિત્રના સ્ટીકર પણ લગાવ્યાં હતા.