લખનૌઃ અયોધ્યામાં રામલલાના ભવ્ય મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ તેજ બનાવવામાં આવી છે અને મહોત્સવમાં હાજર રહેવા માટે મહાનુભાવોને આમંત્રણ મોકલવાનું શરુ કરવામાં આવ્યું છે. ભાજપના સિનિયર નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી તથા સાધુ-સંતોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ ઉપરાંત આંદોલન સાથે જોડાયેલા કારસેવકો અને 1984થી 94 સુધી સક્રીય પત્રકારો અને તેમના પરિવારજનોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તા. 22મી જાન્યુઆરી 2024ના રોજ રામલલાનું ભવ્ય મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવશે અને તા. 23મી જાન્યુઆરીથી ભક્તો પ્રભુ શ્રીરામના દર્શન કરી શકશે. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ તા. 16મી જાન્યુઆરીથી શરુ થશે.
તમામ પરંપરાના સાધુ-સંતો તેમજ કોઈ પણ ક્ષેત્રમાં દેશના સમ્માન અપાવનાર અગ્રણી લોકોને આમંત્રિત કરાયાં છે. નવા સ્થાપેલા ક્ષેત્રપુરમમાં ટિન ટાઉન બનાવવામાં આવ્યું છે. જેમાં 6 ટ્યુબવેલ, 6 રસોડા અને 10 પથારીવાળી હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. દેશના 150 જેટલા ડોક્ટરો અહીં સતત સેવા માટે પોતાની સંમતિ આપી છે. આ સાથે જ શહેરના ખૂણે ખૂણે લંગર, ભોજનાલય, ભંડારા, અન્નક્ષેત્ર ચાલશે. 4000 સંતોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે તમામ પરંપરામાંથી સંતો આવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શંકરાચાર્ય મહામંડલેશ્વર શીખ અને બૌદ્ધ સંપ્રદાયના તમામ ટેચ પરના સંતોને આમંત્રણ મેકલવામા આવ્યા છે. સ્વામીનારાયણ, આર્ટ ઓફ લિવિંગ, ગાયત્રી પરિવાર, ખેડુતો, કલા જગતના અગ્રણી લોકોને આમંત્રણ મેકલવામા આવ્યા છે. રામલલાના દર્શન કરવા માટે દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે. તેમના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.