નવી દિલ્હી: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવાનો છે. અયોધ્યાનો માહોલ રામમય છે અને દેશનો માહોલ અયોધ્યામય છે. પરંતુ રાજકીય લોકોની સાથે સંત સમાજના કેટલાક લોકો પણ મુહૂર્ત પર સવાલ ઉઠાવી રહ્યા છે અને રાજકારણ ખેલાય રહ્યું છે. આ મામલામાં એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ નહીં થવાનું જણાવી ચુકેલા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ પોતાના વિચારો રજૂ કર્યા છે.
એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યુ છે કે અહીં એ વાત સમજવી જોઈએ કે કાર્યક્રમને લઈને તમામના મનમાં પ્રસન્નતા છે અને નહીં જવાથી એ સાબિત થતું નથી કે અમે રામભક્ત નથી. સેંકડો વર્ષોની સમસ્યાનું સમાધાન થયું છે. આ પરમ પવિત્ર અવસર આવ્યો છે. કેટલા બલિદાન થયા છે.
કાર્યક્રમનું આયોજન સનાતન પરંપરા પ્રમાણે નહીં થઈ રહ્યાનું પુછવામાં આવતા શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કહ્યુ છે કે શાસ્ત્રોમાં વિકલ્પ છે અને ત્યાંના જે પૂજારી છે સત્યેન્દ્રદાસે કહ્યુ છે કે જ્યાં પણ પરમાત્માની સ્થાપના થવાની છે, ત્યાંનું નિર્માણ પૂર્ણ થઈ ચુક્યું છે. હવે આ વિચારણીય વિષય છે કે શાસ્ત્રોમાં ઘણાં વિધિવિધાન હોય છે.
મુહૂર્ત પર ઉઠેલા સવાલોનો જવાબ આપતા શંકરાચાર્યે કહ્યુ હતુ કે પંચાગોની જો વાત કરવામાં આવે, તો હાલ 50 પંચાગો છે, જે પ્રચલિત છે અને તેમનું અવલોકન થશે. કાશીથી પંડિતો ગયા છે. કાંચીથી પણ આવેલા છે. મોટા-મોટા વિદ્વાનોનું ત્યાં પહોંચવાનું થયું છે, તો આ એક રિસર્ચનો વિષય છે કે ક્યું મુહૂર્ત છે જેની સ્થાપના કરાય રહી છે. કંઈને કંઈ તો હશે, કારણ કે જે પણ વિદ્વાન ગયા છે, તે પણ તમામ સનાતન ધર્મના પાલક છે, હિંદુ જ છે. પરંતુ તેમણે એક વખત જોઈ લેવું જોઈએ, આ વાત અમે જરૂર કહીશું.