રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા: કોણ છે રામલલાના સૌથી મોટા દાનવીર? રામમંદિરને ભેંટ કર્યું 101 કિલોગ્રામ સોનું
નવી દિલ્હી: ભારતના ઈતિહાસમાં આજે એક વધુ મોટો અને મહત્વપૂર્ણ અધ્યાય સામેલ થઈ રહ્યો છે. આજે રામલલાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જ અયોધ્યામાં ઈતિહાસ રચાય રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યામાં રામમંદિર સંપૂર્ણપણે સજીધજીને તૈયાર છે. રામમંદિરના ગર્ભગૃહમાં બપોરે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે.
આ ભવ્ય રામમંદિરનું નિર્માણ સંપૂર્ણપણે રામભક્તો દ્વારા અપાયેલા દાની કરાયું છે. રામમંદિર માટે દેશ અને દુનિયામાં કરોડો ભક્તોએ પોતાની ક્ષમતા પ્રમાણે દાન કર્યું છે. રામમંદિરના નિર્માણમાં કોઈપણ સરકારોએ એકપણ પૈસો આપ્યો નથી. આ સંપૂર્ણપણે ભક્તોના દાનમાંથી બની રહ્યું છે. રામમંદિર માટે સૌથી વધુ દાન સૂરતના એક હીરા કારોબારીએ કર્યું છે.
હીરા કોરોબારીએ દાન આપવાના મામલામાં મોટામોટા ઉદ્યોગપતિઓને પાછળ રાખી દીધા છે. સૂરતના લાખી પરિવારે અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિર માટે 101 કિલોગ્રામ સોનું દાન કર્યું છે. સૂરતના મોટા હીરા કારોબારીઓમાંથી એક દિલીપકુમાર વી. લાખીના પરિવારે 101 કિલોગ્રામ સોનું દાન કર્યું છે, તેનો ઉપયોગ અયોધ્યામાં રામમંદિરના દરવાજાઓ પર સોનાની પરત ચઢાવવામાં થવાનો છે.
દિલીપકુમાર વી. લાખી સૂરતની સૌથી મોટી હીરા ફેક્ટરીઓમાંથી એકના માલિક છે. જણાવાય છે કે લાખી પરિવારે અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ મંદિર માટે ટ્રસ્ટને અત્યાર સુધીમાં સૌથી મોટું દાન કર્યું છે. લાખી પરિવારે રામમંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂળ, ડમરુ અને સ્તંભોની સાથે મંદિરના ભૂતળ પર 14 સ્વર્ણ દ્વારો માટે 101 કિલોગ્રામ સોનું મોકલ્યું છે.
હાલ સોનાની કિંમત અંદાજે 68 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ પ્રકારે જોવામાં આવે, તો એક કિલોગ્રામ સોનાની કિંમત 68 લાખ રૂપિયા થાય છે.એટલે કે કુલ 101 કિલોગ્રામ સોનાની કિંમત 68 કરોડ રૂપિયા થાય છે. આ પ્રકારે લાખી પરિવારે રામમંદિરને સૌથી વધુ દાન આપ્યું છે. રામમંદિરને બીજું સૌથી મોટું દાન કરનારાઓમાં કથાવાચક અને આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુનું નામ છે. તેમણે રામમંદિરને 11.3 કરોડ રૂપિયા દાન કર્યા છે. અમેરિકા, કેનેડા અને બ્રિટનમાં બેઠેલા રામભક્ત અનુયાયીઓએ પણ અલગથી આઠ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. તો રામમંદિર નિર્માણમાં ગુજરાતના હીરા કારોબારી ગોવિંદભાઈ ધોળકિયાએ 11 કરોડ રૂપિયા દાન આપ્યું છે. ગોવિંદભાઈ ધોળકિયા ડાયમંડ કંપની શ્રીરામકૃષ્ણા એક્સપોર્ટ્સના માલિક છે.
તો રામમંદિરને દાન આપવાના મામલામાં દેશ-દુનિયાના મંદિરોમાંથી સૌથી વધુ દાન આપનારાઓમાં પટનાનું મહાવીર મંદિર પ્રથમ સ્થાને છે. પટનાના મહાવીર મંદિરે અયોધ્યા રામમંદિર નિર્માણમાં 10 કરોડ રૂપિયા દાન કર્યા છે. અત્યાર સુધીમાં મંદિરે આઠ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું, પરંતુ મહાવીર મંદિર ન્યાસના સચિવે શ્રીરામજન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રને રવિવારે બે કરોડ રૂપિયાના છેલ્લા હફ્તાનો ચેક સોંપવામાં આવ્યો છે.
મહાવીર મંદિર ન્યાસના સચિવ આચાર્ય કિશોર કુણાલે ખુદ આની જાણકારી આપી છે. રામલલાને સોનાનું દાન પણ કરાય રહ્યું છે. તેનાથી કળશ બનાવાય રહ્યો છે. તેની સાથે ધનુષ અને બાણ પણ રામમંદિરને ભેંટ કરાય રહ્યા છે.