લખનૌઃ રામનવમીની સમગ્ર દેશમાં ધાર્મિક માહોલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અયોધ્યામાં બનેલા ભવ્ય શ્રી રામજી મંદિરમાં પ્રથમવાર રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન સવારથી જ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતા. રામલલાના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને કોઈ હાલાકી ના પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
મંદિરના પટ સવારના 3.30 કલાકે જ ખોલી નાખવામાં આવ્યાં હતા. રાતના 11 કલાક સુધી ભક્તો રામજીના દર્શન કરી શકશે. સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યાં છે.
આજના પાવન પર્વ પર રામ મંદિરમાં વિશેષ પુજા કરવામાં આવી હતી. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમવાર અયોધ્યામાં રામ મંદિરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, શ્રી રામ નવમીની પાવન બેલા ઉપર આજે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રભુ શ્રી રામલલા સરકારને દિવ્ય અભિષેક કરવામાં આવ્યો છે.
રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીએ જણાવ્યું હતું કે, રામલલાને છપ્પન ભોગ ચડાવાયો છે. પુરી વ્યવસ્થા કરી લેવામાં આવી છે. આજે રામ નવમીનો મેળો છે. ભક્તો પોતાના પ્રભુને પ્રાર્થના કરી રહ્યાં છે, અને આજે બધુ જ ખુબ ખાસ છે.
અયોધ્યા પ્રભુ શ્રી રામજીના દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓએ સરયૂ નદીમાં સ્નાન કર્યું હતું. રાતથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. હનુમાનગઢી મંદિરમાં ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. રામનવમીના પાવન પર્વ ઉપર બજરંગ બલીને વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.