Site icon Revoi.in

‘રામાયણ’ જેવી ઐતિહાસિક સિરિયલ બનાવનાર રામાનંદ સાગરની આજે જન્મજયંતિ,ભારે સંઘર્ષ બાદ મેળવી હતી સફળતા

Social Share

મુંબઈ:દૂરદર્શન માટે ‘રામાયણ’ જેવી ઐતિહાસિક સિરિયલ બનાવનાર રામાનંદ સાગરનો આજે જન્મદિવસ છે. રામાનંદ સાગર ભલે આજે આ દુનિયામાં નથી, પરંતુ હિન્દી ફિલ્મ અને ટીવી જગતમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. 29 ડિસેમ્બર 1917ના રોજ જન્મેલા રામાનંદ સાગરનું સાચું નામ ચંદ્રમૌલી ચોપડા હતું. કહેવાય છે કે,90ના દાયકામાં જ્યારે ટીવી પર ‘રામાયણ’ ટેલિકાસ્ટ થતી હતી, ત્યારે વગર લોકડાઉન રસ્તાઓ પર સન્નાટો છવાય જતો હતો.

કોરોના મહામારીના સમયે લગભગ 30 વર્ષ પછી ટીવીના નાના પડદે પરત ફરેલી આ રામાયણે લોકડાઉન દરમિયાન લોકોમાં સકારાત્મકતા જાળવી રાખી હતી.લોકોને પણ આ શો ઘણો પસંદ આવ્યો.જેનું પરિણામ એ આવ્યું કે,આ વખતે શોએ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો.એમ કહેવું પણ ખોટું નહીં હોય કે લોકડાઉનને કારણે રામાયણ એ લોકો માટે ‘સંજીવની બુટી’ તરીકે કામ કર્યું જે સ્વયં ભગવાન હનુમાન લક્ષ્મણ માટે લઈને આવ્યા હતા.

પાકિસ્તાનમાં જન્મેલા રામાનંદ સાગરનું બાળપણ ખૂબ જ મુશ્કેલ રહ્યું હતું. રામાનંદ સાગરનો પરિવાર ભાગલા વખતે લાહોરથી કાશ્મીર આવ્યો હતો. રામાનંદ સાગરનો પરિવાર લાહોરમાં ખૂબ જ સમૃદ્ધ હતો, પરંતુ જ્યારે દેશનું વિભાજન થયું ત્યારે તેમના પરિવારને તેમનો વ્યવસાય અને તેમની તમામ મિલકત છોડીને કાશ્મીર આવવું પડ્યું.અહીંથી રામાનંદ સાગરના પરિવારના મુશ્કેલ દિવસોની શરૂઆત થઈ.દરમિયાન, જ્યારે રામાનંદ સાગરની માતાનું અવસાન થયું અને તેના પિતાએ બીજા લગ્ન કર્યા. આખરે આર્થિક સંકડામણના કારણે રામાનંદ સાગરે પટાવાળા તરીકે પણ નોકરી કરી હતી.

પટાવાળા તરીકે કામ કર્યા બાદ રામાનંદ સાગરે ટ્રક ક્લીનરથી લઈને સાબુ વેચવાનું કામ કર્યું.ઘણા વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી પૃથ્વીરાજ કપૂરના પૃથ્વી થિયેટરમાં સહાયક સ્ટેજ મેનેજર તરીકે નોકરી મળી.તે પૃથ્વીરાજ કપૂરની ઘણી ફિલ્મોનો ભાગ હતા. ઘણા વર્ષો સુધી ત્યાં કામ કર્યા પછી તેમણે દૂરદર્શન માટે ‘રામાયણ’ બનાવી. રામાનંદ સાગરના ટેલિવિઝન શો રામાયણ વિશે વાત કરીએ તો તેમાં અરુણ ગોવિલ અને દીપિકા ચીખલિયાએ રામ-સીતાની ભૂમિકા ભજવી હતી. જેમને લોકો વાસ્તવમાં રામ-સીતા તરીકે સમજવા લાગ્યા.તેને ભગવાનનો દરજ્જો મળ્યો હતો.આ સિરિયલની સફળતા પછી તેણે ઘણા પૌરાણિક સફળ ટીવી શો કર્યા.