અમદાવાદની શૈક્ષણિક સંસ્થા NIMCJ માં રામદિવાળી ઉજવાશે
અમદાવાદ: આગામી સોમવાર,૨૨જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામમંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે.સમગ્ર દેશ આ પ્રસંગને ઉત્સાહભેર ઉજવી રહ્યો છે ત્યારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, (NIMCJ) અમદાવાદમાં પણ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમવારે સવારે 8.30 કલાકથી પરિસરમાં રામદિવાળી ઉજવાશે.
રામદિવાળીની ઉજવણી અંતર્ગત મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામના આદર્શો અને જીવન કવનને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાશે. વિદ્યાર્થીઓ દ્વારા પરિસરમાં રંગોળી અને દીપોત્સવ કરવામાં આવશે. આ ઉપરાંત રામાયણ આધારિત ક્વિઝ યોજાશે તેમજ શ્રીરામના જીવન દર્શન પર આધારિત “ઓપન માઈક”માં વિદ્યાર્થીઓ કવિતા, શાસ્ત્રીય નૃત્ય, મોનો એક્ટિંગ અને વકતૃત્વ આપશે. આ ઉપરાંત રામાયણની ચોપાઈઓ અને ભજન પણ પ્રસ્તુત કરવામાં આવશે.બપોરે પ્રાણપ્રતિષ્ઠા સમારોહનું લાઈવ કવરેજ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમારોહ બાદ રામઆરતી અને પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે તેમ સંસ્થાના નિયામક ડો.શિરીષ કાશીકરજીએ જણાવાયું હતું.