Site icon Revoi.in

વડોદરામાં રામનવમી પર્વ નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા ઉપર કાંકરિચાળો, પોલીસ તંત્ર દોડતું થયું

Social Share

અમદાવાદઃ રાજ્યમાં આજે ધાર્મિક માહોલમાં રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના ફતેપુરામાં રામનવમી પર્વ નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા દરમિયાન અસામાજીકતત્વોએ કાંકરિયાળો કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે થયેલી આ અથડામણને પગલે પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ભારે જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર રામનવમીની ભગવાન શ્રીરામની શોભાયાત્રા ફતેપુરા વિસ્તારમાંથી નીકળતા શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેટલાક અસમાજિક તત્વોએ ભગવાન રામની મૂર્તિ પર પથ્થરમારો કરીને મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. ઉચ્ચ પોલીસ અધિકારી યશપાલ જગાનીયાએ જણાવ્યું કે, સિટી પોલીસ સ્ટેશન નજીક રામનવમીની શોભાયાત્રા દરમિયાન એક મસ્જિદ આગળ થોડું ઘર્ષણ થયું હતું. તેમાં કોઈ મુદ્દો બન્યો નથી. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ છે, શોભાયાત્રા પોતાના રૂટ પર આગળ વધી ગઈ છે. હાલમાં પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજે ધાર્મિક વાતાવરણમાં રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રામજી મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયાં હતા. તેમજ અનેક સ્થળો ઉપર ભગવાનની શોભાયાત્રા યોજાઈ હતી. રામનવમી પર્વને લઈને ગુજરાત રામમય બન્યું હતું.