નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા હાલ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. તેમજ અહીં લોકોને ખાદ્યસામગ્રીનો ભાવ આસમાને પહોંચ્યો છે. દરમિયાન 1996માં શ્રીલંકાને પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન અર્જુન રણતુંગા પોતાના દેશના રાજનેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ તેમણે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને ખુરશી છોડવાની સલાહ આપી હતી. આ સાથે તેમણે ભારતની પણ જોરદાર પ્રશંસા કરી હતી.
પૂર્વ પ્રવાસન અને ઉડ્ડયન મંત્રી અર્જુન રણતુંગાએ કહ્યું હતું કે, તેમના કાર્યકાળ દરમિયાન ભારત સાથેના સંબંધો ઘણા સારા હતા. મારા કાર્યકાળ દરમિયાન ભારત ખૂબ મદદરૂપ હતું. ત્યારબાદ શ્રીલંકાને આર્થિક મંદીમાંથી બહાર આવવા માટે 1.5 બિલિયન ડોલરની લોન પણ આપવામાં આવી હતી. આ સરકારે પોતાના ફાયદા માટે આખું બંધારણ બદલી નાખ્યું છે. ભારત અમારો મોટો ભાઈ રહ્યો છે. તે પેટ્રોલ અને દવાઓ જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી રહ્યું છે.
ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન જયવર્દને અને કુમાર સંગાકારાએ પણ દેશના રાજકારણીઓ પર પ્રહારો કર્યા હતા. રોશન મહાનામા પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. IPL ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સ તરફથી રમી રહેલા ભાનુકા રાજપક્ષેએ કહ્યું, “હું માઇલો દૂર છું પરંતુ હું મારા શ્રીલંકાના સાથી ખેલાડીઓની નારાજગી અનુભવી શકું છું કારણ કે તેઓ તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.”
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ઉપર સતત ખરાબ પરિસ્થિતિ વચ્ચે રાજીનામું આપવા દબાણ વધી રહ્યું છે, પરંતુ તેઓ પદ પર યથાવત છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને પોલીસ વિરોધને ડામવા બળપ્રયોગ કરી રહી છે. દરમિયાન, શ્રીલંકાની સરકારે પણ કહ્યું છે કે રાષ્ટ્રપતિ રાજપક્ષે કોઈપણ સંજોગોમાં રાજીનામું આપશે નહીં અને તેઓ વર્તમાન મુદ્દાઓનો સામનો કરશે.