નવી દિલ્હીઃ જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની જેલમાં બંધ અને ત્યાં જ માર્યા ગયેલા સરબજીત સિંહની બહેન દલબીર કૌરનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેણી 60 વર્ષની હતી. તેમના અંતિમ સંસ્કાર પંજાબના તરનતારન શહેરના ભીખીવિંડ ગામમાં કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં બોલીવુડના સ્ટાર રહદીપ હુડ્ડા ઉપસ્થિત રહ્યાં હતા. દલબીર કૌરને ફિલ્મ અભિનેતાએ એક ભાઈ તરીકે મૃતદેહને ખભો આપવાનું અને મુખાગ્નિ આપવાનું વચન આપ્યું હતું. ફિલ્મ સરબજીતમાં સરબજીતનું પાત્ર ભજનાર અભિનેતાએ પોતાના વ્યક્ત શિડ્યુઅલ વચ્ચે બહેનને આપેલુ વચન નિભાવ્યું હતું. રણદીપે દલબીરના પરિવારને સાંત્વના પણ આપી હતી.
સરબજીત સિંહની બાયોપિક વર્ષ 2016માં રિલીઝ થઈ હતી. જેનું નામ હતું ‘સરબજીત’, આ ફિલ્મમાં રણદીપે સરબજીત સિંહની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં સરબજીતની બહેન દલબીર કૌરનું પાત્ર ઐશ્વર્યા રાય બચ્ચને ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેની એક્ટિંગથી પ્રભાવિત થઈને દલબીર રણદીપને પોતાનો ભાઈ માનતી હતી. બંને બાઈ-બહેન જેવો સંબંધ હતો.
ફિલ્મના ટ્રેલર લૉન્ચમાં દલબીર કૌર પણ હાજર હતી અને રણદીપને સરબજીતના રોલમાં જોઈને તે ભાવુક થઈ ગઈ હતી. ત્યારે તેણે રણદીપ હુડ્ડા પાસેથી વચન લીધું હતું કે તે તેની અર્થીને ખભો આપશે. દલબીર કૌરે કહ્યું હતું કે, મેં તેનામાં મારા ભાઈ સરબજીતને જોયો છે. મારી એક ઈચ્છા છે. જ્યારે હું મરીશ ત્યારે તે મને ચોક્કસથી ખભા આપશે. ભાઈએ મને ખભા આપ્યો છે એ વિચારીને મારા આત્માને શાંતિ મળે. હું ખૂબ જ ખુશ છું કે મને મારો ભાઈ રણદીપ મળ્યો. તે ફિલ્મમાં માત્ર હીરો જ નહીં પણ મારો ભાઈ પણ છે.
5 વર્ષ પહેલા જ્યારે ફિલ્મ ‘સરબજીત’ આવી ત્યારે પાકિસ્તાનની જેલમાં શહીદ થયેલા સરબજીત સિંહની બહેન દલબીર કૌરે રણદીપ હુડા પાસેથી આ વચન લીધું હતું. હવે જ્યારે દલબીર કૌરનું 5 વર્ષ પછી અવસાન થયું ત્યારે રણદીપ હુડ્ડાએ તેને આપેલું વચન નિભાવ્યું છે.
અહેવાલો અનુસાર, જ્યારે દલબીર કૌરે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી, ત્યારે તેના પરિવારના સભ્યો દ્વારા તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ તેમની તબિયત સતત બગડતી રહી અને તેમણે અંતિમ શ્વાસ લીધા. 1991 માં, સરબજીત સિંહની બહેન દલબીર કૌર ચર્ચામાં આવી હતી જ્યારે પાકિસ્તાનની અદાલતે સરબજીત સિંહને ભારતીય જાસૂસ ગણાવીને મૃત્યુદંડની સજા ફટકારી હતી.
દલબીરે તેના ભાઈને ફાંસીની સજા મળ્યા બાદ જ તેના ભાઈને છોડાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ક્યારેક તે રાષ્ટ્રપતિ, ક્યારેક વડાપ્રધાન અને ક્યારેક વિદેશ મંત્રાલયના ચક્કર લગાવતી હતી. 2011માં તે તેના ભાઈને મળવા પાકિસ્તાન ગઈ હતી. 9 વર્ષ પહેલા 2013માં જ સરબજીત સિંહની પાકિસ્તાનની કોટ કાલાખાપત જેલમાં નિધન થયું હતું.