Site icon Revoi.in

ગુજરાતમાં રેપના બનાવો વધી રહ્યા છે, હર્ષ સંઘવી રાજીનામું આપેઃ સાંસદ ગનીબેન ઠાકોર

Social Share

પાલનપુરઃ ગુજરાતમાં બળાત્કારના બનાવો ચિંતાજનકરીતે વધતા જાય છે. છેલ્લા એક મહિનામાં સગીરાઓ પર દુષ્કર્મ અને દુષ્કર્મના પ્રયાસના એક નહીં, અનેક બનાવો સામે આવ્યા છે. દાહોદની તોયણી પ્રાથમિક શાળાથી લઇને વડોદરા, આણંદ, સુરેન્દ્રનગર અને સુરત સહિતના બનાવો બન્યા છે. એવા આક્ષેપ સાથે બનાસકાંઠાનાં કોંગ્રેસનાં સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી હતી.

બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે મીડિયા સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે,  નવરાત્રિમાં વડોદરા, સુરત અને સુરેન્દ્રનગરમાં સગીરા અને યુવતીઓ પર ગેંગરેપની ઘટનાઓ સામે આવી છે. દાહોદ, બોટાદ અને માંડવીમાં શિક્ષકો દ્વારા શારીરિક છેડતી, ગેંગરેપ, બળાત્કાર અને હત્યાની ઘટનાઓ સામે આવી છે. આ તમામ માટે જવાબદાર સરકાર છે. ગૃહમંત્રીએ અડધો ટકો પણ શરમ હોય તો હવે રાજીનામું આપી દેવું જોઈએ. છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં ગુનાઓનો ગ્રાફ વધ્યો છે. એક મહિનામાં 30થી 40 દીકરીઓ ભોગ બની છે. પશ્ચિમ બંગાળ કે અન્ય રાજ્યમાં આવી ઘટનાઓ બને તો ગુજરાત સરકાર વિરોધ નોંધાવે, ધરણાં કરે અને રજૂઆતો કરે છે, પણ ખુદ ગુજરાતમાં જ્યારે આવી ઘટનાઓ ઘટે ત્યારે સરકાર કોઇ જવાબદારી સ્વીકારવા તૈયાર થતી નથી.

સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિમાં ગરબા રમવાના સમયમાં એટલા માટે વધારો કર્યો કે દારૂ અને ડ્રગ્સનું દૂષણ વધે અને યુવાનો બરબાદ થાય અને હપતા મળે, એટલે સરકારની આવકમાં વધારો થાય. નવરાત્રિમાં ગરબા રમવા પર ગૃહમંત્રી એવાં નિવેદનો આપે છે કે ગુજરાતીઓ અહીં ગરબા ન રમે તો શું પાકિસ્તાન જાય? ગૃહમંત્રીના આવા નિવેદનને બદલે જો એવું નિવેદન હોત કે દીકરીઓ પર બળાત્કાર કરનારા નરાધમોને પાકિસ્તાન મોકલીશું તો અમે તમને સ્પોર્ટ કરતા હોત.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગૃહમંત્રી અને સરકાર ખાલી 56ની છાતીની વાતો કરે છે અને એવું કહે છે કે કોઇ ચમરબંધીને નહીં છોડીએ, પણ હહીકતપણે સરકારની બધી વાતો પોકળ સાબિત થઇ છે. આટઆટલી ઘટનાઓ ઘટી છે, હવે જો ગૃહરાજ્યમંત્રીને અડધો ટકોય શરમ જેવું હોય તો તેમણે રાજીનામુ આપી દેવું જોઇએ, કારણ કે રાજ્યમાં કાયદો અને સુરક્ષા મજબૂત કરે તેવા માણસને ગૃહમંત્રી બનાવવા જોઈએ અને શિક્ષણજગતમાં આવી ઘટનાઓ ન બને એ માટે NGO તેમજ પોલીસની ટીમો બનાવવી જોઈએ.

તેમણે ઉમેર્યુ હતું કે, જ્યાં પણ આવી ઘટનાઓ ઘટી છે ત્યાં કોંગ્રેસના નેતાઓએ પીડિતોનાં પરિવારજનોની મુલાકાત લઇને આશ્વાસન આપ્યું છે. અમે બેન-દીકરીઓ સુરક્ષિત રહે એ માટે રાજ્યપાલને આવેદનપત્ર આપી રજૂઆત કરીશું અને પરિવારોની સાથે કોંગ્રેસ પક્ષ બધે જ સાથે રહશે. જરૂર પડશે તો અમે ધરણાં અને આંદોલન પણ કરીશું.