બળાત્કાર પીડિતાનો આપઘાત કેસઃ પોલીસે 500થી વધારે સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસ્યાં
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વલસાડમાં ટ્રેનમાં એક યુવતીએ આત્મહત્યા કરી હતી. યુવતીની આત્મહત્યાની પોલીસ તપાસમાં તેની ઉપર વડોદરામાં બળાત્કાર થયાનું સામે આવ્યું છે. આ ચકચારી કેસમાં બે વ્યક્તિઓની હાલના તબક્કે સંડોવણી ખુલી છે. તેમને ઝડપી લેવા માટે પોલીસની 35થી વધારે ટીમો બનાવી છે. તેમજ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 500થી વધારે સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરવામાં આવ્યાં છે. પીડિતા અને તેના પરિવારને ન્યાય અપાવવાની ખાતરી રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આપી હતી.
રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ કેસમાં રેલવે પોલીસ, વડોદરા પોલીસ અને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ સહિતની ટીમો તપાસ કરી રહી છે. આ કેસની તપાસ માટે 35 જેટલી ટીમો બનાવવામાં આવી છે. હાલ મોબાઈલ લોકેશન અને સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં શંકાસ્પદ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસનો ઝડપથી ભેદ ઉકેલી નાખીને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. પીડિતા અને તેના પરિવારને ન્યાય અપાવવા માટે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. પીડિતાની લાશ વસલાડમાં મળી હતી અને બળાત્કારનો બનાવ વડોદરામાં બન્યો હતો. પરંતુ પોલીસની તપાસની કોઈ રેખા હોતી નથી.
દરમિયાન તેમણે ભરૂચના ધર્મ પરિવર્તન પ્રકરણ અંગે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારો અને ગરીબોના ધર્મ પરિવર્તન કેસની ઉંડાણપૂર્વકની તપાસ થઈ રહી છે. વડોદરાની ટ્રસ્ટની તપાસ કરવામાં આવી રહી છે. ધર્મ પરિવર્તન પ્રકરણમાં આરોપીઓને કાયદામાંથી છટકવાનો કોઈ ચાન્સ મળશે નહીં.