રાફેલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારનું ભૂત ફરી ધુણ્યું : ફ્રાંસે ન્યાયીક તપાસ માટે જજની કરી નિમણુંક
દિલ્હીઃ રાફેલ સોદાની તપાસને લઈને ફ્રાંસ સરકારે મોટુ પગલુ ભર્યું છે. ભારત સાથે લગભગ 59000 કરોડના રાફેલ સોદામાં કથિત ભ્રષ્ટાચારની હવે ફ્રાંસમાં ન્યાયિક તપાસ થશે અને આ માટે એક જજની પણ નિમણુંક કરવામાં આવી છે. આમ રાફેલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારનું ભૂત ફરી ઘુણ્યું છે.
ફ્રાંસના ઓનલાઈન જર્નલ મેડિયાપાર્ટના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, 2016માં થયેલી આ ઈન્ટર ગવર્નમેન્ટ ડીલની અત્યધિક સંવેદનશીલ તપાસ ઔપચારિક રૂપથી તા. 14મી જૂનથી શરૂ થઈ ગઈ છે. તેમજ ફ્રાંસીસ લોક અભિયોજન સેવાઓની વિતીય અપરાધ શાખા દ્વારા આ વાતને પુષ્ટી પણ આપવામાં આવી છે.
એપ્રિલ 2021માં રાફેલ સોદામાં કથિત અનિયમિતતા ઉપર કેટલાક રિપોર્ટ પ્રકાશિત થયાં હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ફ્રાંસની સાર્વજનિક અભિયોજન સેવાઓની અપરાધ શાખાના પૂર્વ પ્રમુખ દ્વારા કથિત પુરાવાની તપાસ રોકી દીધી હતી. હાઉલેટએ ફ્રાંસના હિતો, સંસ્થાનોના કામકાઝને સંરક્ષિત કરવાના નામ ઉપર તપાસ ઉપર રોક લગાવવાનો આદેશ કર્યો હતો.
નવા રિપોર્ટ અનુસાર હવે પીએનએફના નવા પ્રમુખ જીન-ફ્રેંકોઈસ બોહર્ટએ તપાસને સમર્થનનો નિર્ણય લીધો છે. તપાસ 3 લોકોની આસપાસ કરવામાં આવશે. જેમાં પૂર્વ ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ, હાલના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોન તથા જીન-યવેસ લે ડ્રિયનનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં ભારત સરકારે ફ્રાંસ પાસેથી 26 રાફેલ લડાકુ વિમાન ખરીદવાની ડીલ કરી હતી. જે પૈકી 12 જેટલા વિમાન ભારતને મળી ગયા છે જ્યારે બાકીના 2022 સુધીમાં ભારતને મળી જશે. આ ડીલ થઈ ત્યારે ભારતમાં ભારે વિવાદ થયો હતો. લોકસભા ચૂંટણીમાં પણ રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારને મુદ્દે કોંગ્રેસે મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કર્યાં હતા.