Site icon Revoi.in

રાજકોટમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ, 18 ટીમોએ ભાગ લીધો

Social Share

રાજકોટઃ શહેરમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધાનું શહેરના હેમુ ગઢવી નાટ્યગૃહ, ખાતે ભવ્ય આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં અલગ-અલગ કુલ 18 ટીમોના 360થી વધુ ખૈલેયાઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો.

રાજકોટ શહેરના હેમુ ગઢવી નાટ્યગૃહમાં નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં અલગ-અલગ કુલ 18 ટીમોના 360 થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. જે પૈકી પ્રાચીન ગરબામાં પ્રથમ ક્રમે એમ એન વિરાણી કોલેજ, બીજા ક્રમે જય મહાલક્ષ્મી ગૃપ અને ત્રીજા ક્રમે ચામુંડા ગૃપ જ્યારે રાસમાં પ્રથમ ક્રમે નટરાજ કલા મંદિર, બીજા ક્રમે કારડીયા રાજપુત રાસ મંડળ, અને ત્રીજા ક્રમે જય ભવાની ગૃપ અને અર્વાચીન ગરબામાં પ્રથમ ક્રમે શ્રી વૃંદ ગ્રૃપ, બીજા ક્રમે  આત્મિય યુનિવર્સિટી અને ત્રીજા ક્રમે જય નવદુર્ગા ગૃપે મેળવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષ દિહોરાએ જણાવ્યું હતું કે, ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનું જતન કરવાના ઉદે્શ્યને પરિપૂર્ણ કરવા છેવાડાનાં ગામડાથી માંડીને શહેરો સુધી સર્જનાત્‍મક વાતાવરણનું નિર્માણ કરીને પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તકો અને કલાકારોની કળાને જાળવી રાખીને પુરસ્‍કૃત કરવાના અભિગમ સાથે પ્રતિવર્ષ શહેરી અને જિલ્લા કક્ષાનો રાસ-ગરબાનો કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવે છે. આવા કાર્યક્રમ થકી કલાકારો પોતાની કલાને ઉજાગર કરી શકે તે માટે પ્લેટફોર્મ મળી રહે છે.

જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યુ હતું કે, રાસ-ગરબા એ ગુજરાતની લોકસંસ્કૃતિનું આગવું અંગ છે. રાસ અને ગરબાની પરંપરાની બાબતમાં ઉજળો ઇતિહાસ અને સંસ્કૃતિની ભવ્યતા સહેજે ઉડીને આંખે વળગે તેવી છે. રાસ પરથી ભગવાન શ્રીકૃષ્ણ, રાધાજી અને ગોપીઓ આપણને સહેજે યાદ આવી જ જાય. આમ રાસ દ્વાપરયુગથી પ્રચલિત જોવા મળે છે.

ગુજરાતની ગૌરવપૂર્ણ લોકસંસ્કૃતિના જતન અને સંવર્ધન અર્થે વિભાગ દ્વારા આયોજીત આ સ્પર્ધામાં અર્વાચીન ગરબા, પ્રાચીન ગરબા અને રાસ જેવી વૈવિધ્ય પૂર્ણ કૃતિઓ રજૂ કરાઈ હતી. આ કૃતિઓની મૂળ સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે કોઈ સીડી-ડીવીડી, યુ.એસ.બી. કે રેકોર્ડિંગ વિના જ પરંપરાગત રીતે સાજીંદાઓ અને ગરબે ઘૂમનાર બહેનો જ રાસ-ગરબા રમતા રમતા ગીતો પણ જાતે જ ગાયા હતા. આમ, તમામ રાસ અને ગરબાઓની પરંપરાગત પ્રસ્તુતિ કરાઈ હતી. આ સમયે ક્રૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારીકાની વાટે, લીધો મહિયાર કેરો વેશ, દુધે તે ભરી તલાવડી ને, મોતીડે બાંધી પાળ રે, હાલોને જોવા જઈએ ઢોલાજી રે મારવાડાનો દેશ, અમે મહિયારા રે, ગોકુળ ગામના, રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે.. જેવા વિવિધ ગુજરાતી ગીતો અને ગરબા પર સ્પર્ધકોએ રાસ-ગરબા રમીને નવરાત્રિનો માહોલ બનાવ્યો હતો.