- ટાટા ટ્રસ્ટના ચેરમેન રતન ટાટાનો આજે જન્મદિવસ
- રતન ટાટા પોતાનો 83મો જન્મદિવસ ઉજવી રહ્યા છે
- રતન ટાટાના જન્મદિવસ પર ફેંસએ શેર કરી તસવીર
- સોશિયલ મીડિયા પર છવાયા બિઝનેસ ટાયકૂન
દિલ્લી: દેશના બિઝનેસ ટાયકૂન અને ટાટા ટ્રસ્ટના ચેરમેન રતન ટાટાનો આજે જન્મદિવસ છે. આ વર્ષે રતન ટાટા પોતાનો 83મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ઘણા લોકોના દિલ પર રાજ કરનાર રતન ટાટાનો જન્મ ગુજરાતના સુરત શહેરમાં 1937માં થયો હતો. રતન ટાટાનું નામ પણ દેશના ધનિક લોકોની યાદીમાં લેવામાં આવે છે. તેનું જીવન સંઘર્ષથી ભરેલું છે, જેમાંથી દરેક પ્રેરણા લઈ શકે છે. રતન ટાટા આર્કિટેક્ટ બનવા માંગતા હતા, પરંતુ જીવનમાં આવા ઘણા પરિવર્તન આવ્યા કે રતન ટાટા એક સફળ ઉદ્યોગપતિ બન્યા.
રતન ટાટાએ 1962માં ટાટા ગ્રુપ સાથે તેમના બિઝનેસ કરિયરની શરૂઆત કરી હતી. તે સમયે તે માત્ર 25 વર્ષના હતા. જો કે, બાદમાં રતન પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માટે ટાટા હાવર્ડ યુનિવર્સિટી ગયા. ત્યાર બાદ રતન ટાટાના કાર્યકાળ દરમિયાન તેમની કંપનીએ ઘણી ઉંચાઈઓને સ્પર્શ કરી અને વિશ્વના સફળ ઉદ્યોગપતિઓમાં સામેલ થયા. 1991માં જેઆરડી ટાટા પછી રતન ટાટા ટાટા ગ્રુપના પાંચમા અધ્યક્ષ બન્યા. રતન ટાટાએ ટાટા ટેલિસર્વિસસ લોન્ચ કરી હતી અને ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત કાર ઈન્ડિકા કારની ડિઝાઇન અને લોન્ચિંગ પણ કરી હતી. આ સમૂહે વીએસએનએલ હસ્તગત કર્યું હતું,જે એક સમયે ભારતની ટોચની આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સેવા પ્રદાતા હતી.
તેમના કાર્યકાળ દરમિયાન રતન ટાટા 2004 માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ લોકો સમક્ષ લાવ્યા. તેણે 2008 માં વિશ્વની સૌથી સસ્તી કાર નેનોની ડિઝાઇન અને લોન્ચિંગ પણ કરી હતી. તેમના નેતૃત્વ હેઠળ, ટાટા ગ્રુપે વૈશ્વિક મંચ પર માન્યતા પ્રાપ્ત કરી. જ્યારે તેઓએ એંગ્લો-ડચ સ્ટીલમેકર કોરસ અને બ્રિટિશ લક્ઝરી કાર બ્રાન્ડ્સ જગુઆર અને લેન્ડ રોવર અને બ્રિટિશ ચા કંપની ટેટલી હસ્તગત કરી લીધી.
રતન ટાટાએ ક્યારેય લગ્ન કર્યા નહીં. આ સિવાય તેના માતાપિતાએ પણ છૂટાછેડા લીધા હતા,જેના કારણે રતન ટાટા તેની દાદી સાથે રહેતા હતા. રતન ટાટાના કહેવા પ્રમાણે હંમેશાં તેના પિતા સાથે બોલાચાલી થઇ જતી હતી. રતન ટાટા વાયોલિન શીખવા માંગતા હતા,પરંતુ પિતા ઇચ્છતા હતા કે તેઓ પિયાનો શીખે. રતન ટાટા અમેરિકા જવાની ઇચ્છા રાખતા હતા પરંતુ તેમના પિતા ઇચ્છતા હતા કે તેઓ બ્રિટન જાય.તો રતન ટાટા આર્કિટેક્ટ બનવા માંગતા હતા, પરંતુ તેના પિતા ઇચ્છતા હતા કે તેઓ એન્જિનિયર બને.
જો કે, તેઓ 2012 માં ચેરમેન પદ પરથી નિવૃત્ત થયા. લોકો તેમના 83 માં જન્મદિવસ પર સતત તેમને અભિનંદન આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ યુઝર્સ વિવિધ રીતે રતન ટાટાને અભિનંદન સંદેશ આપી રહ્યા છે. આ દરમિયાન ઘણા યુઝર્સ તેમની જૂની તસવીરો પણ શેર કરી રહ્યાં છે.
_દેવાંશી