Site icon Revoi.in

રતન ટાટાએ તમામ નિયમોનું પાલન કરીને ટાટા જૂથની કાર્યશૈલીમાં સુધારો કર્યોઃ અમિત શાહ

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમણે તમામ નિયમો અને વિનિયમોનું પાલન કરીને ટાટા જૂથની કાર્યશૈલીમાં સુધારો કર્યો છે. દિલ્હી સ્થિત ‘PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ના વાર્ષિક સત્રને સંબોધતા અમિત શાહે કહ્યું કે, રતન ટાટાના નેતૃત્વમાં ટાટા ટ્રસ્ટોએ શિક્ષણ, આરોગ્ય, સમાજ કલ્યાણ અને કેન્સરની સંભાળ જેવા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ટાટાનો વારસો આવનારા વર્ષોમાં તમામ ઉદ્યોગપતિઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. તેઓ તમામ ઉદ્યોગપતિઓ માટે રોલ મોડેલ રહેશે.” ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે મુંબઈમાં ઉદ્યોગપતિ રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. તેઓ ભારત સરકાર વતી ટાટાને શ્રદ્ધાંજલિ આપશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિએ એવા સમયે અગ્રણી ભારતીય બિઝનેસ સમૂહના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો જ્યારે ટાટા કંપનીઓને ટર્નઅરાઉન્ડની જરૂર હતી.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા અભ્યાસ અને ઘણી ધીરજ બાદ રતન ટાટાએ ટાટાની તમામ કંપનીઓમાં ફેરફાર કર્યા. “ટાટા ગ્રૂપના ચેરમેન તરીકે, રતન ટાટાએ તેની કામગીરીમાં સુધારો લાવ્યા અને તમામ નિયમો અને વિનિયમોનું પાલન કરીને તેને મજબૂત ઔદ્યોગિક સમૂહમાં વૃદ્ધિ કરવામાં મદદ કરી.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન-ઈન્ડિયા અને ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા માટે લાઓસમાં હોવાથી ગૃહમંત્રી ઉદ્યોગપતિના અંતિમ સંસ્કાર માટે મુંબઈ જઈ રહ્યા છે. શાહે અગાઉના સંદેશમાં જણાવ્યું હતું કે “મહાન ઉદ્યોગપતિ અને સાચા રાષ્ટ્રવાદી” રતન ટાટાના નિધનના સમાચાર સાંભળીને તેઓ ખૂબ જ દુઃખી થયા છે. તેમણે કહ્યું કે રતન ટાટાએ નિઃસ્વાર્થપણે પોતાનું જીવન રાષ્ટ્રના વિકાસ માટે સમર્પિત કર્યું.