Site icon Revoi.in

જગન્નાથજીની રથયાત્રાઃ ભાવનગરમાં ભોંય સમાજના યુવાનોએ રથ ખેંચીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢીબીજના પર્વ નિમિત્તે અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય જગન્નાથ મય બન્યું છે. દરમિયાન ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રૂટ ઉપર 38મી રથયાત્રા નીકળી હતી. રથયાત્રાના રૂટ ઉપર ઠેર-ઠેર ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતા.

ભાવનગરમાં 38મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભારે હર્ષોલ્લાસ સાથે રથયાત્રા રાજમાર્ગો પર નીકળી હતી. દર વર્ષે ભાવનગરના રાજવી પરિવારના વિજયરાજસિંહજી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવતું હોય છે.પરંતુ આ વખતે સંજોગોવશાત સંતો,મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં રથયાત્રાને પહિન્દવિધિ કરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભોંય સમાજના યુવકોએ રથને દોરડા વડે ખેંચીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસ્થાન કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરના રાજમાર્ગો નીકળી હતી. આ વર્ષે સામાજિક જાગૃતિ, દેશભક્તિ ,સાંપ્રત પ્રવાહો અંગેની થીમ પર ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા તેમજ અખાડાના યુવાનો દ્વારા રથયાત્રાની આગળ આગળ વિવિધ કરતબો કરી અને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. રથયાત્રા જે રૂટ પરથી પસાર થવાની હતી તે રૂટ પર સેવાભાવી યુવક યુવતીઓ દ્વારા તત્કાલ રંગોલીઓ બનાવવામાં આવી હતી.

ભાવનગરમાં રથયાત્રાના રૂટ ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતા. ભક્તોમાં ચણા સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિને અનુલક્ષીને ભાવનગર જિલ્લા પોલીસતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. DySP–15, PI–44, PSI–144, પોલીસ- 2000થી વધુ (મહીલા સહિત ), SRP-5 કંપની, BSF-3 કંપની, હોમગાર્ડ-1500થી વધુ (મહીલા સહિત), વિડીયોગ્રાફરો-24, ડ્રોન–3, વોચ ટાવર–12, ગ્રુપ+ગામા મોબાઇલ- 38, બાઇક પેટ્રોલિંગ -15, ઘોડેશ્વાર–32, એક્ઝક્યુટિવ મેજિસ્ટ્રેટ–12, મેડિકલ ટીમ-4, ફાયર ફાયટર-4 બંદોબસ્તમાં તૈનાત રહ્યાં હતા.