અમદાવાદઃ શહેરમાં અષાઢીબીજના દિવસે જગન્નાથજી મંદિરથી ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા યોજાશે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદબોસ્ત ગોઠવવામાં આવ્યો છે અને 26 હજારથી વધારે પોલીસ અધિકારી-જવાનો ખડેપગ રહેશે. ભગવાનના મામાના ઘર ગણાતા સરસપુરમાં શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ માટે 14થી વધારે પોળોમાં રસોડા શરૂ થયાં છે. સરસપુરમાં લગભગ બે લાખથી વધારે ભક્તો પ્રસાદ ગ્રહણ કરશે.
સરસપુરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, મોટાભાઈ બલભદ્રજીનું ધામધૂમથી મામેરુ કરવામાં આવશે. આ ઉપરાંત રથયાત્રામાં જોડાયેલા લાખો શ્રદ્ધાળુઓ તથા રથયાત્રાના દર્શન કરનારા ભક્તોના પ્રસાદ માટે સરસપુરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સરસપુરમાં 14 થી વધુ પોળોમાં રસોડા શરૂ કરાયા છે. જેમાં પૂરી,શાક,ખીચડી, કઢી, ફૂલવડી, બુંદી, મોહનથાળ જેવી વિવિધ વાનગીઓ તૈયાર થઈ રહી છે. સરસપુરની લુહાર શેરીમાં સૌથી મોટું રસોડું છેલ્લા 46 વર્ષથી કાર્યરત છે. તેમજ વિવિધ પોળના લોકો હાલ પ્રસાદ બનાવી રહ્યાં છે. તેમજ સરસપુરમાં ભગવાનના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે. સવારે 4 કલાકે મંદિરમાં મંગળા આરતી થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સવારે 7 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધી કરીને ભગવાનનો રથ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવશે. રથયાત્રાના રૂટ ઉપર ઠેર-ઠેર રથયાત્રાનું વિવિધ ધર્મ અને સંપ્રદાયના આગેવાનો સન્માન કરાશે.