Site icon Revoi.in

ભાવનગરમાં ભક્તિમય માહોલમાં નીકળી રથયાત્રા, અખાડાના દાવપેચએ જમાવ્યુ આકર્ષણ

Social Share

ભાવનગરઃ શહેરમાં આજે અષાઢી બીજને દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી પરિક્રમાએ નીકળતા ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાનને રથમાં બિરાજમાન કર્યાં પછી સામાજીક રાજકીય આગેવાનો, સંતો-મહંતોની ઉપસ્થિતિમાં સોનાની સાવરણીથી છેડાપોરા અને પહિન્દ વિધિ સંપન્ન થયાં બાદ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

શહેરમાં રથ પ્રસ્થાન થયાંની સાથે માજી સૈનિક સંગઠન દ્વારા બેન્ડ અને બ્યૂગલની સલામી સાથે નિજ મંદિરથી જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીના રથનું પ્રસ્થાન થયું હતું. પરંપરાગત રીતે ભાવનગરના મહારાજા દ્વારા પહિન્દ અને છેડા પોરા વિધિ કરવામાં આવે છે. પરંતુ તાજેતરમાંજ રાજ પરિવારના શીવભદ્રસિંહજી ગોહિલનું નિધન થયું હોવાથી આ વખતે રથયાત્રામાં રાજ પરિવાર ઉપસ્થિત રહ્યો નહોતો. રાજ પરિવારે અષાઢી બીજ અને રથયાત્રાના પવન અવસરે ભાવનગરની જનતાને જય જગન્નાથ પાઠવ્યા હતા.

શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. અને જગન્નાથજીના નાદ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો.અખંડ બ્રહ્માંડના નાથના દર્શન માટે વહેલી સવારથી હજારોની સંખ્યામાં ભગવાનેશ્વર મંદિરે ઉમટયા હતા. ‘જય જગન્નાથ, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી, ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે’ના જયઘોષથી વાતાવરણ ગૂંજી ઉઠયું હતું. શહેરના 17.5 કિ.મીના રૂપમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યા કરશે. ભગવાનને પોતાના આંગણે આવકારવા ભક્તો આતુર છે.

રથયાત્રાના રૂટ પર દર અડધો કિ.મી.એ વિવિધ સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પ્રસાદ વિતરણ તથા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રથયાત્રામાં જોડાયેલો 100 ટ્રકો જોડાયા છે. રથયાત્રામાં જોડાનારા વિવિધ ફ્લોટ્સ, વેશભૂષા, મિની ટ્રેન, હાથી-ઘોડા, રાસ મંડળીઓ, અખાડાના દાવપેચ ભાવિક ભક્તોમાં અદ્ભૂત આકર્ષણ જમાવ્યું છે. 39મી રથયાત્રાને લઈ સમગ્ર શહેર કેસરિયા માહોલ અને જગન્નાથજીના રંગે રંગાઈ ગયું છે. બીજી તરફ રથયાત્રાના સમગ્ર રૂટમાં મુશ્કેટાટ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.