રથયાત્રાઃ શણગારેલા ટ્રકો અને અખાડીયનો આકર્ષણનું કેન્દ્ર બન્યાં, ભજન મંડળીઓએ ધાર્મિક માહોલ ઉભો કર્યો
અમદાવાદઃ શહેરમાં આજે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં શણગારવામાં આવેલી 100 જેટલી ટ્રકો અને વિવિધ કરતબો બતાવતા અકાડીયનો આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. આ ઉપરાંત ભજન મંડળીઓએ પણ ભજનની રમઝટ બોલાવીને વાતાવરણને વધારે ધાર્મિક બનાવ્યું હતું.
અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલભદ્રજી સાથે નજર ચર્ચાએ નીકળ્યાં હતા. રથયાત્રામાં સૌથી આગળ 18 ગજરાજ, શણગારેલા 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજા, 1200 જેટલા ખલાસીઓ અને હજારોની સંખ્યામાં સાતુ-સંતો રથયાત્રામાં જોડાયાં હતા. શણગારેલી ટ્રકોએ વિવિધ સ્લોગન અને કૃતિ દર્શાવતી જાંખી દર્શાવી હતી. ટ્રકમાં તૈયાર કરાયેલા જી-20, બાગેશ્વર ધામ અને નરેન્દ્ર મોદી કી પાઠશાળા સહિતના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું.
આ ઉપરાંત નરેન્દ્ર મોદીના કટઆઉટ પણ જોવા મળ્યાં હતા. એટલું જ નહીં નાના બાળકો રામજી, લક્ષ્મણજી અને સીતા તથા શિવજી ભગવાનના વેશભુષામાં જોવા મળ્યાં હતા. તેમજ આ ટેબ્લો મારફતે સમાજમાં અલગ સંદેશ આપવાનો પ્રયાસ કરાયો હતો. આ ઉપરાંત અખાડીઓને સમગ્ર રથયાત્રા રૂટ ઉપર વિવિધ કરતબો દર્શાવીને રથયાત્રાના દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓમાં અનોખુ આકર્ષણ જમાવ્યું હતું. અખાડીઓને લાકડી દાવ સહિતના કરતબ દર્શાવ્યાં હતા.
રથયાત્રામાં જોડાયેલી શણગારેલી 101 જેટલી ટ્રકોમાં સવારે ભક્તોએ દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને મગ, જાંબુ અને ચોકલેટ સહિતના પ્રસાદનું વિચરણ કર્યું હતું. જ્યારે રથયાત્રામાં સૌથી આગલ રહેલા ગજરાજોને પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યાં હતા. બાળકો ગજરાજોને જોઈને ખુશ થઈ ગયા હતા. જ્યારે 18 જેટલી ભજન મંડળીઓ પણ રથયાત્રામાં વિવિધ ભજનો ગાવાની સાથે જન્નાથજી મય બની ગયા હતા.