ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ મોટી સંખ્યામાં ભક્તો એકત્ર ના થાય તની કાળજી રાખવા તબીબોની માંગણી
અમદાવાદઃ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. બીજી તરફ કોરોનાની બીજી લહેર ધીમી પડતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ એકત્ર ન થાય તેની તકેદારી રાખવા માટે અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબોએ વનંતી કરી છે.
તબીબોએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રથયાત્રામાં ભીડ ભેગી ન થાય તે માટે જે તે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થવાની હોય ત્યાં કરફ્યૂ લાદવાનો મત વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત રથયાત્રામાં માત્ર 50 લોકોને પરમિશન આપવી જોઈએ. એટલું જ નહીં પરંતુ કોરોના રસીના બે ડોઝ લીધા હોય તેવા સાધુ સંતોને જ ઉપસ્થિત રહેવાની પરમિશન મળવી જોઈએ. તેવી પણ તબીબોએ વિનંતી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રથયાત્રામાં જે સાધુ સંતો જોડાવાના હોય તેમનો 72 કલાક પહેલાં આરટી-પીસીઆર ટેસ્ટ થવો જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશ છેલ્લા સવા વર્ષથી કોરોનાની સામે લાંબી લડાઈ લડી રહ્યું છે. કોરોના મહામારીને પગલે ગયા વર્ષે અમદાવાદમાં સુપ્રસિદ્ધ જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવી ન હતી. આ વર્ષે હાલ કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી રથયાત્રા યોજાય તેવી શકયતા છે. જેથી તંત્ર દ્વારા હાલ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, આ અંગે ચોક્કસ નિર્ણય આગામી દિવસોમાં સરકાર દ્વારા કરવામાં આવશે.