અમદાવાદઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ અઢાષી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે. ગુજરાત સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને શરતી મંજૂરી આપવામાં આવી છે. રથયાત્રાના રૂટ ઉપર કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. તેમજ રથયાત્રામાં માત્ર પાંચ વાહનો સામેલ થઈ શકશે. આ ઉપરાંત રથયાત્રા દરમિયાન પ્રસાદનું વિતરણ કરવામાં આવશે નહીં.
અમદાવાદમાં દર વર્ષે પરંપરાગત રૂટ ઉપર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલભદ્રજી સાથે નગરચર્ચાએ નિકળે છે. જમાલપુરમાં જગન્નાથજી મંદિરથી રથયાત્રા નીકળીને પરંપરાગત રૂટ ઉપરથી પસાર થઈને સાંજના મંદિર ફરે છે. જો કે, ગત વર્ષે કોરોના મહામારીને પગલે રથયાત્રાને મંજૂરી આપવામાં આવી ન હતી. જેથી ભક્તોમાં નિરાશા ફેલાઈ હતી. મંદિર દ્વારા પરિસરમાં જ જરૂરી વિધિ કરવામાં આવી હતી. આ વર્ષે કોરોનાને લઈને છેલ્લા કેટલાક દિવસથી રથયાત્રાને લઈને ચર્ચાઓનો દોર શરૂ થયો હતો. બીજી તરફ મંદિર દ્વારા રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે રથયાત્રાને શરતી મંજૂરી આપી છે. આ વર્ષે રથયાત્રામાં માત્ર પાંચ વાહનો જ રહેશે. આ ઉપરાંત મંદિરથી રથ નીકળ્યા બાદ ક્યાં પણ રોકાણ કરશે નહીં. તેમજ રથયાત્રામાં ગજરાજો, અખાડા અને શણગારેલી ટ્રકોને મંજૂરી આપવામાં આવી નથી.
રથયાત્રાના રૂટ ઉપરના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં અષાઢી બીજના દિવસે કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. મોટી સંખ્યામાં ભક્તો ન ઉમટી પડે તે માટે કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રસાદનું પણ વિતરણ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આ ઉપરાંત અષાઢી બીજના દિવસે શહેરના પૂર્વ અને પશ્ચિમને જોડતા તમામ બ્રિજ બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત મંદિર ટ્રસ્ટ તથા સરકારે શ્રદ્ધાળુઓને રથયાત્રાના ટીવી ઉપર દર્શન કરવા માટે અપીલ કરવામાં આવી છે.