ગાંધીનગરઃ નવેમ્બર મહિનામાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખતા રાજ્યના લાખો રેશન કાર્ડધારકોને ઓક્ટોબરમાં જ સીંગતેલ અપાશે. તે સાથે તહેવારો નિમિત્તે નિયત ઉપરાંત એક કિલો વધારાની ખાંડ પણ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.
નાગરિક પુરવઠા નિગમ દ્વારા દિવાળીના તહેવારોમાં રાબેતા મુજબના અનાજ સાથે વધારાના અનાજના પુરવઠાની વિતરણ વ્યવસ્થા માટે આગોતરૂ આયોજન કર્યું છે. જેમાં એનએફએસએ સહિતના અંત્યોદય અને બીપીએલ રેશન કાર્ડધારકોને ઓક્ટોબર મહિના દરમિયાન વધારાનો જથ્થાનું વિતરણ કરી દેવામાં આવશે. જેમાં રેશન કાર્ડ દીઠ સીંગતેલનું એક લિટરનું પાઉચ સો રૂપિયામાં અપાશે. તે સાથે દર મહિને મળવાપાત્ર ઉપરાંત વધારાની એક કિલો ખાંડ પણ નિયત દરથી અપાશે. જોકે, છેલ્લા બે મહિનાથી અપાતી બાજરી અમદાવાદ શહેરના રેશનકાર્ડધારકોને ઓક્ટોબર મહિનામાં નહીં મળે તેના સ્થાને રાબેતા મુજબ મળતા ઘઉં સાથે બાજરીની અવેજીમાં ઘઉં મેળવી શકાશે.
ગુજરાત સરકાર દ્વારા લાખો રાશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ વધારાનું રાશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. કાર્ડ ધારકોને ઓક્ટોબર મહિનામાં જ વધારાનું સીંગતેલ અને અનોજનો જથ્થો આપવામાં આવશે. આ માટે આગોતરા અનાજ વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાર્ડ દીઠ એક લિટરનું સીંગતેલનું પાઉચ આપવામા આવશે. તો વધારાની એક કિલો ખાંડ આપવામાં આવશે. ધારાસભ્યોની સંકલન સમિતિમાં દર મહિને પહેલી તારીખે જ રાશનિંગના અનાજ વિતરણનો તમામ જથ્થો મળી જાય તેવી સૂચના જાહેર કરવામાં આવી છે. જેનો હજુ સુધી અમલ કરવામા આવ્યો નથી. તેથી રાશનના દુકાનદારોએ આ જથ્થો નિયમિત પહોંચી જાય તેવી જાહેરાત કરાઈ છે. રેશનિંગની દુકાનોમાં એકસાથે અનાજ, કઠોળ, તેલ, મીઠું,ખાંડ વગેરોનો જથ્થો પહોંચવો જોઈએ, જેથી તે એકસાથે વિતરણ થઈ શકે, પંરતુ આ જથ્થો એકસાથે મળતો નથી. જેથી તેને અલગ અલગ વિતરણ કરવો પડે છે.