મહારાષ્ટ્રમાં 100 રૂપિયામાં મળશે રાશન કિટ,શિંદે સરકારની ભેટ
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે દિવાળી અને ગણપતિ પહેલા મોટી જાહેરાત કરી છે. સરકારે સમગ્ર રાજ્યમાં 100 રૂપિયામાં રાશન આપવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ રાશન કીટમાં એક કિલો ચણાની દાળ, ખાંડ, રસોઈ તેલ અને સુજી (રવા)નો સમાવેશ થશે. આ રાશન કીટ માત્ર રેશનકાર્ડ ધારકોને જ મળશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રેશનકાર્ડ ધારકોને આ ભેટ આપી છે.
રાજ્ય સરકાર કેસિનો પર મૂકશે પ્રતિબંધ
આ સિવાય સીએમ એકનાથ શિંદેએ પણ રાજ્યમાં કેસિનો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે ગત ચોમાસુ સત્ર દરમિયાન કેસિનો અને ઓનલાઈન ગેમિંગને કાયદેસર બનાવવા માટે એક બિલ લાવવાની યોજના હતી. ગોવાની પૃષ્ઠભૂમિ પર ઘણા ઓપરેટરોએ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં કેસિનો ચલાવવાની પરવાનગી માંગી છે.જો કે, નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર કેસિનો (નિયંત્રણ અને કરવેરા) અધિનિયમ 1976 હેઠળ રાજ્યમાં કેસિનોને કાયદેસર બનાવવાના વિચાર સામે સતત દલીલ કરી રહ્યા છે.
ગયા વર્ષે પણ શિંદે સરકારે આપી હતી જનતાને ભેટ
નોંધનીય છે કે ગયા વર્ષે પણ મહારાષ્ટ્ર સરકારે દિવાળી પહેલા જનતાને ભેટ આપી હતી અને તે સમયે પણ 100 રૂપિયામાં રાશન કિટ આપવાની જાહેરાત કરી હતી. તેવી જ રીતે, આ વખતે પણ શિંદે સરકારે ગણપતિ અને દિવાળીના અવસર પર જનતાને 100 રૂપિયામાં રાશન કિટ આપવાના નિર્ણયને મંજૂરી આપી છે. આ વખતે પણ કીટમાં ચણાની દાળ, ખાંડ, રસોઈ તેલ અને રવા નો સમાવેશ થાય છે.