Site icon Revoi.in

રેશનિંગના દુકાનદારોના એસો.એ સરકાર સાથે સફળ વાટાઘાટો કર્યા બાદ હડતાળને સ્થગિત કરી

Social Share

ગાંધીનગરઃ  રાજ્યની સસ્તા અનાજની દુકાનધારકોના એસોશિએશન સાથે બેઠક બાદ તેમણે હડતાલ સ્થગિત કરવાનો નિર્ણય કરીને આવતીકાલ તા. 03 નવેમ્બરથી દુકાનો ખુલ્લી રાખીને પુરવઠા વિતરણ ચાલુ કરવાની ખાતરી આપી છે, તેને રાજ્ય સરકાર આવકારે છે તેમ રાજ્યના અન્ન, નાગરિક અને પુરવઠા મંત્રી  કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું.

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ ઉમેર્યુ હતુ કે,  દિવાળીના તહેવારો બાદ એસોશિએશનની માંગણી પરત્વે સરકાર હકારાત્મક વિચારણા સાથે બેઠક કરીને યોગ્ય નિર્ણય કરશે. એસોએ હડતાળ સ્થગિત કરવાનો જે નિર્ણય લીધો તેને આવકારૂ છું,

દરમિયાન સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ પણ રેશનિંગ દુકાનદારોના એસો.એ સરકાર સાથે બેઠક કરી હતી. પણ એ બેઠકમાં કોઈ ફળદાયી પરિણામ આવ્યું નહતું ત્યારબાદ ગુરૂવારે ફરીવાર બેઠક મળતા રાજ્ય સરકારે આશ્વાસન આપ્યા બાદ રેશનિંગની દુકાનદારોની હડતાળનો અંત આવ્યો છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અગાઉ એવું કહ્યું હતું કે, જો દુકાનદારો હડતાળ નહીં સમેટે તો વૈકલ્પિક વ્યવસ્થા કરાશે.ગામની દૂધ મંડળીઓ થકી વ્યવસ્થા કરીને લોકોને અનાજનો જથ્થો આપવામાં આવશે. ત્યારબાદ પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સસ્તા અનાજ દુકાનદારોની વાજબી માંગ હશે તો જ સ્વીકારાશે. એવી ખાતરી આપી હતી. તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સાથે ગત સપ્ટેમ્બર-2023માં સસ્તા અનાજના દુકાનદાર એસોસિયનના હોદેદારો સાથે થયેલી બેઠકમાં નક્કી થયા મુજબ ગત સપ્ટેમ્બર 2023ના માસનું તમામ જિલ્લાના વાજબી ભાવના દુકાનદારોને મિનિમમ કમિશન 20 હજાર પેટે 3.53 કરોડથી વધુની રકમ ચૂકવી દેવામાં આવી છે. આ સિવાય પણ પ્રજાના હિતમાં સસ્તા અનાજના દુકાનદારોના પ્રશ્નોના યોગ્ય ઉકેલ માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે.