પ્રદેશ ભાજપના સંગઠનના મહામંત્રી તરીકે રત્નાકર નિમાયા, દલસાણિયાને નવી જવાબદારી સોંપાશે
અમદાવાદઃ ગુજરાત ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઇ દલસાણીયાને હટાવીને બિહારના સંઘના નેતા રત્નાકરને મહામંત્રી પદનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. છેલ્લા દસ વર્ષથી ભીખુભાઈ દલસાણીયા ગુજરાત સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા. હવે તેમને સંગઠન દ્વારા વિશેષ જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે. આગામી 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરાયો હોવનું માનવામાં આવી રહ્યું છે.
ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ રત્નાકરે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી 2017, લોકસભા ચૂંટણી 2019, બિહાર વિધાનસભા ચૂંટણી 2020 અને પશ્ચિમ બંગાળની 2021ની વિધાનસભા ચૂંટણીમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં, ગ્રાસ-રૂટ લેવલ પર તેમનું કાર્ય જોઈને તેમને માઈક્રો મેનેજમેન્ટના માસ્ટર પણ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રત્નાકરજીને રાજ્ય સ્તરે એક પ્રભાવશાળી અને સક્રિય વ્યૂહાત્મક નેતા માનવામાં આવે છે. હાલ રત્નાકર બિહાર ભાજપના પ્રદેશ સંયુક્ત મહામંત્રી છે. રત્નાકરે પોતાના કરિયરની શરૂઆત સમાજ સેવકથી કરી ત્યારથી તેઓ આર.એસ.એસ સાથે જોડાયેલા છે. સી.આર પાટીલ જ્યારે બિહારમાં સહ પ્રભારી હતાં ત્યારથી તેઓ રત્નાકર સાથે સંપર્કમાં હતા. નોંધનીય છે કે, ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં આ વર્ષે કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. એવામાં કોરોનાકાળમાં સરકારની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે, બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે. એવામાં ભાજપ દ્વારા પણ ચૂંટણી માટે અત્યારથી આગોતરું પ્લાનિંગ કરાઈ રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે.