અમદાવાદઃ રાજ્યમાં સરકારી હોસ્પિટલના તંત્રની બેદરકારી અવાર-નવાર પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે આણંદની સરકારી જનરલ હોસ્પિટલમાં સ્વચ્છતાના અભાવે અને તંત્રની બેદરકારીને લીધે ઉંદરોનો ત્રાસ એટલો બધો વધી ગયો છે. કે, હવે તો હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પણ ડરી રહ્યા છે. દરમિયાન ડાયાબિટિસથી પીડાતા એક વૃદ્ધ દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.વૃદ્ધ રાત્રે ઘસઘસાટ ગાઢ નીંદર માણી રહ્યા હતા ત્યારે ઉંદરોએ વૃદ્ધનો પગ કોતરી ખાધો હતો. દરમિયાન આ અંગેની જાણ થતાં જ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ અને તબીબો દોડી આવ્યા હતા. અને વૃદ્ધાને પાટાપીંડીને કરીને સારવાર કરી હતી.
આણંદ શહેર એ મધ્ય ગુજરાતનું મહત્વનું શહેર ગણાય છે. અને જિલ્લાના લોકો બીમારીમાં સારવાર માટે સરકારી જનરલ હોસ્પિટલમાં આવતા હોય છે. આ સરકારી હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારીનાં કારણે ઉંદરોનો ત્રાસ વધી ગયો છે. છેલ્લાં કેટલાક સમયથી રાત્રીના સમયે ઉંદરો દર્દીઓને પરેશાન કરતા હોવાની ફરિયાદો પણ ઊઠી હતી. તેમ છતાં સરકારી હોસ્પિટલના અધિકારીઓ અને સ્ટાફ ઉંદરોના ત્રાસ બાબતે સહેજ પણ ધ્યાન આપતાં નથી. દરમિયાન ઉંદરોએ હોસ્પિટલમાં દાખલ એક વૃદ્ધ દર્દીનો પગ કોતરી ખાધો હતો. ડાયાબિટીસથી પીડાતા 78 વર્ષીય એક વૃદ્ધ દર્દી સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. તેઓ ગત રાત્રીના સમયે હોસ્પિટલના પુરૂષ વોર્ડમાં બેડ ઉપર ઘસઘસાટ ઉંઘતા હતાં. તે વખતે ઉંદરોએ વૃદ્ધ દર્દીનો પગ કોતરી ખાધો હતો. જેને પગલે હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. તેમજ સરકારી હોસ્પિટલના બેજવાબદાર અધિકારીઓ અને સ્ટાફની કામગીરી ઉપર સવાલ ઉઠ્યાં છે.
આણંદની સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને કહેવા મુજબ હોસ્પિટલમાં સફાઈનો અભાવ અને આડેધડ સામાન મુકવાના કારણે ઉંદરોનો ત્રાસ વધી ગયો છે. જેના કારણે રાત્રે દર્દીઓને અને તેમના સગાવહાલાઓને ઉંદરોથી બચવા માટે જાગતા રહેવું પડે છે. આ હોસ્પિટલમાં દાખલ 78 વર્ષીય એક દર્દી સાથે આ ઘટના બની હતી.. લોકો સારવાર કરાવવા માટે જ હોસ્પિટલ જતાં હોય છે. પરંતુ સારવાર અર્થે ગયેલા દર્દીઓ ઉંદરોના ત્રાસથી હોસ્પિટલમાં પણ સુરક્ષિત નથી. સમગ્ર ઘટના બાદ હોસ્પિટલમાં સીડીએમઓ દ્વારા તાત્કાલિક સફાઈ હાથ ધરવામાં આવી હતી અને સ્ટાફને બેદરકારી બદલ નોટિસો આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. હોસ્પિટલમાં દવાઓનો પણ અભાવ છે જેને લઈને ડોક્ટર દ્વારા બહાર સ્ટોરમાંથી દવા ખરીદવા પ્રિસ્ક્રીપ્શન લખી આપવામાં આવે છે જેને લઈને દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે