T20 વર્લ્ડકપમાંથી બહાર થયેલા પાકિસ્તાની ટીમનો ખેલાડી રઉફ પ્રશંસક સાથે બાખડ્યો, વીડિયો વાયરલ
નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાંથી પાકિસ્તાનની ટીમ બહાર થઈ જતા ભૂતપૂર્વ ખેલાડીઓ અને પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. આ દરમિયાન ફાસ્ટ બોલર હરિસ રઉફનું એક પરાક્રમ સામે આવ્યું છે જેણે બધાને ચોંકાવી દીધા છે. હકીકતમાં, પાકિસ્તાનની શરમજનક હારથી ગુસ્સામાં રઉફ એક પ્રશંસક સાથે હાથાપાઈ કરવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમને ગ્રુપ Aમાં સામેલ કરવામાં આવી હતી, જેમાં ભારત, અમેરિકા, કેનેડા અને આયર્લેન્ડ પણ સામેલ હતા. પાકિસ્તાન અમેરિકા અને ભારત સામે હારી ગયું, જ્યારે કેનેડા અને આયર્લેન્ડ સામે જીત નોંધાવી હતી. પાકિસ્તાન ચાર મેચમાં બે જીત અને બે હાર સાથે ચાર પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ભારત સાત પોઈન્ટ સાથે ગ્રુપ Aમાં ટોચ પર છે, જ્યારે અમેરિકા પાંચ પોઈન્ટ સાથે સુપર એઈટમાં પહોંચનારી ગ્રુપમાંથી બીજી ટીમ બની છે.
આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પાકિસ્તાની ચાહક સાથે રઉફ તકરાર કરતો જોવા મળે છે. વીડિયોમાં, રઉફ તેની પત્ની સાથે ફૂટપાથ પર ચાલતો જોવા મળે છે, ત્યારે એક ચાહક દ્વારા તેની કથિત રીતે મજાક કરવામાં આવી હતી. જેથી ગુસ્સે થઈને, રઉફ તેને મારવા દોડી ગયો હતો. બીજી તરફ તેની પત્નીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વિડિયો સ્પષ્ટ રીતે સાંભળી શકાય તેમ નથી, રઉફ ફેન્સને કહેતો જોવા મળે છે કે તે ભારતીય હોવો જોઈએ, જેના જવાબમાં ચાહકે જવાબ આપ્યો કે તે પાકિસ્તાની છે. આ દરમિયાન ઘણા લોકો ભેગા થાય છે.
સોમવારે એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક પાકિસ્તાની ખેલાડીઓના ખરાબ પ્રદર્શન બાદ કેટલાક પાકિસ્તાની ક્રિકેટરો સીધા પાકિસ્તાન જવાને બદલે લંડન જશે. રિપોર્ટ અનુસાર, કેપ્ટન બાબર આઝમ, મોહમ્મદ આમિર, ઇમાદ વસીમ, હેરિસ રઉફ, શાદાબ ખાન અને આઝમ ખાન ઘરે જતા પહેલા લંડનમાં રજાઓ માણશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ છ ખેલાડીઓ સિવાય ટીમના બાકીના સભ્યો મંગળવારે પાકિસ્તાન જવા રવાના થશે. બાબર સહિત આ ખેલાડીઓએ લંડનમાં પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાનો નિર્ણય કર્યો છે.