- નવરાત્રીમાં મેઘરાજાએ પુનઃ પધરામણી કરી,
- દહેગામમાં રાવણ દહન માટે 40 ફુટ ઊંચુ પુતળુ બનાવ્યું,
- રાવણ ભીજાઈ ન જાય એ માટે પેઈનકોટ પહેરાવાયો
ગાંધીનગરઃ ગુજરાતમાં નવરાત્રીના પર્વના ટાણે જ ઘણાબધા વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં વાદળછાંયા વાતાવરણને લીધે નવરાત્રીના રાસ-ગરબાના આયોજકો પણ ચિંતામાં મુકાયા છે. કાલે દશેરાનું પર્વ હોવાથી દહેગામમાં રાવણના દહન માટે 40 ફુટ ઊંચું 10 માથાનું પુતળુ બનાવવામાં આવ્યું છે. કારીગરોએ ભારે મહેનત કરીને રાવણનું પુતળુ બનાવ્યુ છે. હવે કાલે રાવણ દહન હોવાથી પુતળાને ઊભુ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન આજે વરસાદી વાતાવરણ સર્જાતા આયોજકોએ દોડીને રાવણના પુતળાને રેઈનકોટ પહેરાવી દીધો હતો. જો રાવણ ભીજાઈ જાય તો કાલે દહન કરવો મુશ્કેલ બને તે માટે પ્લાસ્ટિકનો રેઈન કોટ પહેરાવી દેવામાં આવ્યો છે.
નવરાત્રિનું આજે નવમું નોરતું છે અને આવતીકાલ 12 ઑક્ટોબરે દશેરા(દશમી) છે. દશેરાના તહેવારમાં સમગ્ર દેશમાં ઠેક-ઠેકાણે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. ગુજરાતમાં પણ કારીગરો દ્વારા 5-10 ફૂટથી લઈને 80 ફૂટ ઊંચા રાવણના પૂતળાં બનાવવામાં આવે છે. ત્યારે ગાંધીનગરના દહેગામમાં પણ રાવણ દહનને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે. દહેગામમાં 40 ફૂટ ઊંચું રાવણનું પૂતળું બનાવવામાં આવ્યું છે. તો બીજી તરફ બે દિવસથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે વરસાદની આગાહી પણ કરી છે. જેને લઈને આ રાવણને રેઇનકોટ પહેરાવવો પડ્યો હતો.
દહેગામમાં કૉર્પોરેશનની હાઇસ્કૂલના મેદાનમાં રાવણ દહનનું આયોજન કરાયું છે, તે માટે 40 ફૂટ ઊંચું રાવણનું પૂતળું તૈયાર કરાયું છે. પરંતુ દહેગામમાં વરસાદ પડતાં આયોજકો દોડતા થયા હતા. અહીં બનાવવામાં આવેલા રાવણના પૂતળાને વરસાદથી બચાવવા માટે તાત્કાલિક આયોજકોએ ક્રેનની મદદથી મોટું પ્લાસ્ટિક મંગાવીને રાવણના પૂતળાંને ઢાંકી દેવાયું હતું. આમ રાવણને એક પ્રકારે રેઇનકોટ પહેરાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે શું આ પલળી ગયેલો રાવણ સળગશે કે નહીં? તેમાં લગાવેલા ફટાકડા ફૂટશે કે સૂરસૂરિયું થશે ? એવી લોકો કોમેન્ટ કરી રહ્યા છે.