Site icon Revoi.in

મહેસાણા ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવમાં પશુપાલકોને વિવિધ સહાય અંગે માહિતગાર કરાયાં

Social Share

મહેસાણાઃ ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં બે દિવસીય રવિ કૃષિમેળાઓનું આયોજન કરાયું છે. ખેડુતો અને પશુપાલકોને સરકારી યોજનાઓ અને સહાય અંગે માહિતી આપવામાં આવે છે. રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત મહેસાણા તાલુકાના તાલુકા કક્ષાનો કૃષિ મેળો દુધસાગર ડેરી ખાતે યોજાતા ખેડુતો અને પશુપાલકોને  વિવિધ યોજનાથી માહિતગાર કરાયા હતા. પશુપાલન શાખા જિલ્લા પંચાયત હસ્તકના પશુપાલન પ્રદર્શન સ્ટોલની કુલ 112 પશુપાલકોએ મુલાકાત લીધી હતી. જેમાં તેઓને પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓની સંપૂર્ણ વિગતો આપવામાં આવી તથા કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલનની પણ જાણકારી આપવામાં આવી હતી.

દૂધસાગર ડેરી ખાતે મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. જેમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે ,” પ્રાકૃતિક ખેતી અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડુતો આત્મનિર્ભર બની રહ્યા છે.  પ્રાકૃતિક ખેતી આજના સમયની માંગ છે. આપણે પ્રાકૃતિક ખેતીના માર્ગને અનુસરવાનો સમય આવી ગયો છે. પ્રાકૃતિક કૃષિ  જમીનની તંદુરસ્તી, પાકની તંદુરસ્તી, મનુષ્યની તંદુરસ્તી માટે જરૂરી છે. આપણે આત્મનિર્ભર ખેડૂત, આત્મનિર્ભર ભારત સૂત્રને સાકાર કરીએ. આપણે પણ આ પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં સામેલ થઈને ધરતી માતાનું રક્ષણ કરીએ.  પ્રાકૃતિક કૃષિ અપનાવીને આપણી આવનારી પેઢી માટે તંદુરસ્ત સ્વાસ્થ્ય અને પર્યાવરણ આપીએ એ આપણા સૌની નૈતિક ફરજ છે.

મહેસાણા જિલ્લાના કુલ 1,30667 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શિત કર્યો છે. તે પૈકી 46430 ખેડૂતોએ અંદાજિત 20930 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. આ યોજના દ્વારા જિલ્લાના 462 સરપંચોને વર્ચુઅલ માધ્યમ દ્વારા પ્રાકૃતિક ખેતીની સમજ આપવામાં આવી હતી.  મિશન મંગલમ સાથે કન્વર્ઝન્સ કરી 737 ખેડુત મહિલાઓને પ્રાકૃતિક ખેતીની વિસ્તૃત તાલીમ આપી હતી.

દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે સહકાર મંત્રી અમિત શાહે નેશનલ કો ઓપરેટિવ એક્સપર્ટ લિમિટેડનો પ્રારંભ કરી ખેડૂતો માટે ઉત્તમ બજાર વ્યવસ્થા ઉભી કરી છે. ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષ દરમિયાન કૃષિક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજી (કૃષિ વિમાન)નો ઉપયોગ યોજના અંતર્ગત પાક સંરક્ષણ રાસાયણ અને નેનો યુરીયા, એફસીઓ માન્ય પ્રવાહી ખાતરો, જૈવિક ખાતરના છંટકાવ માટે સહાયકારી યોજના અમલમાં મુકવામાં આવી છે.