ઈન્ફોસિસના ચેરમેન પદેથી રવિ કુમારએ આપ્યું રાજીનામું
- ઈન્ફોસિસના ચેરમેન પદે રવિ કુમારનું રાજીનામું
- પરિણામ પહેલા આપ્યું રાજીનામું
- કંપનીએ આ અંગે આપી જાણકારી
મુંબઈ:આઈટી સેક્ટરની પ્રમુખ કંપની ઈન્ફોસિસના ચેરમેન રવિ કુમાર એસએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.કંપનીએ મંગળવારે આ જાણકારી આપી.કંપનીએ રાજીનામા પાછળનું કારણ સ્પષ્ટ કર્યું નથી.ઈન્ફોસિસના બીજા ક્વાર્ટરના પરિણામોની જાહેરાતના થોડા સમય પહેલા જ કુમારે રાજીનામું આપ્યું છે.ઈન્ફોસિસે સ્ટોક એક્સચેન્જોને મોકલેલી માહિતીમાં જણાવ્યું હતું કે, રવિ કુમાર એસએ રાજીનામું આપ્યું છે.બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીમાં તેમના યોગદાનની પ્રશંસા કરી છે.
ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં પરમાણુ વૈજ્ઞાનિક તરીકે કારકિર્દી શરૂ કર્યા પછી રવિ કુમાર 2002માં ઈન્ફોસિસમાં જોડાયા હતા.તેમને 2016માં કંપનીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.ચેરમેન તરીકે તેઓ ઈન્ફોસિસને લગભગ તમામ ઉદ્યોગ સેગમેન્ટમાં લઈ ગયા હતા.
2021-22ના અહેવાલ મુજબ, કુમાર કંપનીના ત્રીજા સૌથી વધુ પગાર મેળવનારા વરિષ્ઠ એક્ઝિક્યુટિવ હતા.CEO સલિલ પારીખ અને પૂર્વ સીઓઓ યુબી પ્રવિણ રાવને કંપનીમાં તેમના કરતાં વધુ પગાર આપવામાં આવતો હતો.ઈન્ફોસિસ 13મીએ તેના પરિણામો જાહેર કરવા જઈ રહી છે.તે જ દિવસે બોર્ડ શેર બાયબેક પર પણ વિચાર કરશે.