Site icon Revoi.in

ભાવનગર જિલ્લામાં 58,700 હેક્ટરમાં રવિપાકનું વાવેતર, ડુંગળીના વાવેતરમાં જિલ્લો મોખરે

Social Share

ભાવનગરઃ  જિલ્લામાં રવિ પાકનું વાવેતર કાર્ય આગળ ધપી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં કુલ 58,500 હેકટરમાં આરંભિક તબક્કે ડુંગળી, ચણા, શાકભાજી, ઘઉં, ઘાસચારા વિ.નું વાવેતર કાર્ય શરૂ થઇ ગયું છે. જે હવે ઠંડી જામતા આગળ વધશે. ગત સપ્તાહે ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 38,700 હેકટરમાં થયું હતુ તે એક જ સપ્તાહમાં બે ગણું વધીને 58,700 હેકટરમાં થઇ ગયું છે. જેમાં સર્વાધિક વાવેતર ડુંગળીનું 14,800 હેકટર જમીનમાં થયું છે. જ્યારે ચણાનું વાવેતર 13,500 હેકટરમાં થયું  હોવાનું જિલ્લાના કૃષિ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યુ હતું કે, ભાવનગર જિલ્લામાં ગત સપ્તાહે રવિ પાકમાં કુલ વાવેતર 38,700 હેકટરમાં થયું હતુ પણ આ સપ્તાહે વધીને 58,500 હેકટર જમીનમાં રવિ પાકનું વાવેતર કાર્ય થયું હતુ. એટલે કે ગત સપ્તાહની તુલનામાં આ સપ્તાહે વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. હવે ઠંડી જામતા વાવણીનું કાર્ય આગળ ઘપશે. ભાવનગર જિલ્લામાં રવિ પાકમાં મુખ્ય ડુંગળી છે. જેમાં ડુંગળીનું કુલ વાવેતર 14,800 હેકટર થઇ ગયું છે. રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 46,200 હેકટરમાં થયું છે એટલે કે ડુંગળીમાં રાજ્યમાં કુલ વાવેતરનું 32 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં જ થયું છે. આમ નવેમ્બર માસમાં આરંભના સપ્તાહમાં કુલ વાવેતર 5100 હતું તે વધીને 58500 હેક્ટર થયું છે.

જિલ્લાના કૃષિ વિભાગના અધિકારીના કહેવા મુજબ ભાવનગર જિલ્લામાં 30મી નવેમ્બર સુધીમાં 58500 હેકટરમાં વાવેતર થયું છે, જેમાં ડુંગળીનું વાવેતર  14,800 હેકટર, ચણાનું વાવેતર 13,500 હેકટર, ઘઉંનું વાવેતર  13,100 હેકટરમાં, અને ઘાસચારાનું વાવેતર  13,100 હેકટરમાં થયુ છે. જ્યારે શાકભાજીનું વાવેતર 2,000 હેકટરમાં અને લસણનું વાવેતર 400 હેકટરમાં થયુ છે.

ભાવનગર જિલ્લામાં નવેમ્બર મહિના દરમિયાન જે વાવેતર કરાયું હતું જેમાં તા.1-7 નવેમ્બર સુધીમાં 5,100 હેકટર, તા.8-14 નવેમ્બર સુધીમાં  18,300 હેકટર, 15-21 નવેમ્બર સુધીમાં 38,700 હેકટર અને 22-29 નવેમ્બર સુધીમાં 58,500 હેકટર વાવેતર થયુ હતું.