Site icon Revoi.in

ગોહિલવાડ પંથકમાં રવિપાકના વાવેતરમાં 24.38 ટકાનો વધારો, ડુંગળીનું 26,600 હેકટરમાં વાવેતર

Social Share

ભાવનગરઃ  ગોહિલવાડ પંથકમાં  આ વર્ષે તમામ મોટા જળાશયોમાં નોંધપાત્ર પાણીનો સંગ્રહ થયેલો હોય અને મોટા ભાગના ડેમ ચોમાસાના અંત સુધી 100 ટકા ભરાયેલા હોય આ વર્ષે રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે.  ગત વર્ષે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં ભાવનગર જિલ્લામાં રવિ પાકનું કુલ વાવેતર 73,400 હેકટર થયું હતુ. તે આ વર્ષે 17,900 હેકટર વધીને 91,300 હેકટર થઇ ગયું છે. જે આ વર્ષે ટકાવારીમાં 24.38 ટકાનો વધારો દર્શાવે છે. જેમાં વાવેતરમાં સૌથી વધુ વધારો ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીમાં 10,800 હેકટરમાં થયો છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં રવિપાકનું વાવેતરમાં વધારો થયો છે. છેલ્લાં એક સપ્તાહમાં ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં 32,8200 હેકટરનો નોંધપાત્ર વધારો થયો છે. માવઠાનો માહોલ પણ વિખાઇ ગયો છે અને  હવે ઠંડીમાં પણ વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં કુલ  વાવેતર 91,300 હેકટરમાં થઇ ગયું છે જેમાં સર્વાધિક વાવેતર ડુંગળીનું 26,600 હેકટરમાં થયું છે. ભાવનગર જિલ્લામાં ગત સપ્તાહના અંત સુધીમાં રવિ પાનું કુલ વાવેતર 58,500 હેકટરમાં થયું હતુ તે આ સપ્તાહે વધીને 91,300 હેકટર થઇ ગયું છે. જેમાં સર્વાધિક વાવેતર ગરીબોની કસ્તૂરી ગણાતા ડુંગળીનું 26,600 હેકટરમાં થયું છે. ગત સપ્તાહે ડુંગળીનું વાવેતર 14,800 હેકટર હતુ તે આ સપ્તાહે 11,800 વધીને 26,600  હેકટર થઇ ગયું છે.

ભાવનગર જિલ્લામાં રવિ પાકમાં મુખ્ય ડુંગળી છે. જેમાં ડુંગળીનું કુલ વાવેતર 26,600 હેકટર થઇ ગયું છે. રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 63,600 હેકટરમાં થયું છે એટલે કે ડુંગળીમાં રાજ્યમાં કુલ વાવેતરનું 41.82 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં જ થયું છે.