ભાવનગર જિલ્લામાં રવિપાકનું 5100 હેક્ટરમાં વાવેતર, ઠંડી વધશે એટલે વાવેતરમાં પણ વધારો થશે
ભાવનગરઃ જિલ્લામાં સારા વરસાદને કારણે સિંચાઈના પાણી માટે કોઈ અગવડ પડે તેમ નહોવાથી આ વર્ષે રવિ સીઝનનું બમ્પર વાવેતર થાય તેવી શક્યતા છે. હવે ગુલાબી ઠંડીનો આરંભ થઇ જતા પંથકમાં રવિ પાકનું વાવેતર કાર્ય આગળ ધપી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં કુલ 5100 હેકટરમાં પ્રથમ તબક્કે ડુંગળી, ચણા, શાકભાજી, ઘઉં, ઘાસચારા વિ.નું વાવેતર કાર્ય શરૂ થઇ ગયું છે. જે હવે ઠંડી જામતા આગળ વધશે.
ભાવનગર જિલ્લામાં ગત વર્ષે આ સમયગાળામાં રવિ પાકમાં કુલ વાવેતર 10,500 હેકટરમાં થયું હતુ પણ આ વર્ષે હજી શરૂઆતમાં માત્ર 5100 હેકટર જમીનમાં રવિ પાકનું વાવેતર કાર્ય થયું છે. એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે માંડ અડધું વાવેતર કાર્ય થયું છે. જો કે હવે ઠંડી જામતા વાવણીનું કાર્ય આગળ ઘપશે. જિલ્લામાં રવિ પાકમાં મુખ્ય ડુંગળી છે. જેમાં ડુંગળીનું કુલ વાવેતર 1500 હેકટર થઇ ગયું છે. રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 2500 હેકટરમાં થયું છે એટલે કે ડુંગળીમાં રાજ્યમાં કુલ વાવેતરનું 60 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં જ થયું છે. ફૂલ ગુલાબી ઠંડીના ચમકારા વચ્ચે શિયાળુ પાક માટે સાનુકૂળ વાતાવરણ હોવાથી જિલ્લાના ખેડૂતોએ શિયાળુ પાક જેવા કે ડુંગળી જીરુ, ઘઉં અને ચણાના પાકોના વાવેતરની શરૂઆત કરવામાં આવી છે.
આ અંગે જિલ્લા ખેતીવાડી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ખેડૂતો દ્વારા ઘઉંના વાવેતરનો પ્રારંભ કરી દેવાયો છે. ત્યારે ખેડૂતોએ ચોમાસુ પાકની કાપણી બાદ જમીનમાં સંગ્રહિત થયેલા ભેજનો મહત્તમ ઉપયોગ થઇ શકે તેના માટે પ્રમાણિત બિયારણ અને ખાતર મેળવી લઇને વહેલી તકે વાવેતર કરી દેવું હિતાવહ રહેશે. ઉપરાંત જમીનને ધ્યાનમાં લઇને ખેડૂતોએ જરૂરિયાત મુજબ પિયતની વ્યવસ્થા કરવી જોઇએ. તેમણે ઉભા પાકમાં અગાઉ કરેલી ભલામણ મુજબ પૂરતું ખાતર આપવાનું રહેશે. શિયાળુ પાક માટે જમીનની તૈયારી કરીને વાવેતર કરવાથી વધુ લાભ થશે.